સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં લોકો જાતજાતના અખતરા કરતા હોય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કેટલાક લોકો એવા વીડિયો બનાવે છે, જેને જોઈને પહેલી નજરે હકીકત અને અભિનય વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી કેમેરા સામે જ પોતાની બહેનનું ગળું કાપતી જોવા મળે છે. જોકે, વીડિયોમાં દેખાતું આ દૃશ્ય વાસ્તવિક ઘટના નહીં પરંતુ રીલ માટે કરવામાં આવેલું નાટક છે.
કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા
વાયરલ વીડિયોમાં બે યુવતીઓ જોવા મળે છે. એક યુવતી સામે બેસેલી છે, જ્યારે બીજી તેની પાછળ ઊભી છે. શરૂઆતમાં બંને કેમેરા સામે સામાન્ય રીતે પોઝ આપતી જોવા મળે છે. ત્યારબાદ અચાનક પાછળ ઊભેલી યુવતી ધારદાર વસ્તુથી સામે બેઠેલી યુવતીની ગરદન પર હુમલો કરતી હોય તેવું દૃશ્ય સર્જાય છે. આ જોઈને પહેલી નજરે કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા થાય છે.
રીલ માટે કર્યો અભિનય, ચમચીથી બનાવ્યો લોહીનો ભ્રમ
વીડિયોમાં આગળ સામે બેઠેલી યુવતી પોતાના ગળાને પકડીને દુખાવો થતો હોય અને ગભરાઈ ગઈ હોય તેવી એક્ટિંગ કરે છે. જોકે, ધ્યાનથી જોવામાં આવે તો આ કોઈ વાસ્તવિક હુમલો નથી. બંને યુવતીઓએ માત્ર વીડિયો બનાવવા માટે આ દૃશ્યનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે વીડિયોમાં દેખાતી વસ્તુ કોઈ અસલી છરી કે ધારદાર હથિયાર નથી, પરંતુ એક ચમચી છે. ચમચીના પાછળના ભાગમાં સોસ લગાવવામાં આવ્યો છે, જેનાથી ગળામાંથી લોહી નીકળતું હોય તેવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. આમ, આખું દૃશ્ય માત્ર રીલ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર્સે માતા-પિતાને આપી સલાહ
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક લોકોએ બાળકોમાં વધી રહેલી રીલ બનાવવાની ઘેલછા અંગે ચિંતા વ્યક્ત કરી છે.કેટલાક યુઝર્સનું કહેવું છે કે બાળકોને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવા જોઈએ. એક યુઝરે માતા-પિતાને બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સલાહ આપી છે. જ્યારે અન્ય એક યુઝરે ટિપ્પણી કરી હતી કે આજની પેઢી અભ્યાસ કરતાં રીલ બનાવવામાં વધુ વ્યસ્ત રહે છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બાળકોને મળતા કન્ટેન્ટ અને તેની તેમના પર થતી અસર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. માત્ર લાઇક્સ અને વ્યૂઝ મેળવવા માટે આવા ડરામણા દૃશ્યો બનાવવાની જરૂર કેટલી યોગ્ય છે, તેવો સવાલ પણ યુઝર્સ ઉઠાવી રહ્યા છે.
