Green Marketing: ‘ઇકો-ફ્રેન્ડલી’ના નામે ગ્રાહકોને મૂર્ખ બનાવવું પડશે ભારે! સરકારના નિયમો થયા કડક

📅 Published: November 24, 2026 | 📂 Category: Business

આજકાલ બજારમાં અનેક કંપનીઓ પોતાનાં ઉત્પાદનોને પર્યાવરણ માટે સારાં ગણાવીને વેચે છે. કોઈ પેકેટ પર ‘100% નેચરલ’ લખે છે, તો કોઈ ઉત્પાદનને ‘ઇકો-ફ્રેન્ડલી’ અથવા ‘સસ્ટેનેબલ’ ગણાવે છે. લીલા રંગના લોગો, વૃક્ષોની તસવીરો અને કુદરતી દેખાવ ધરાવતા પેકેજિંગથી ગ્રાહકોને એવું લાગે છે કે ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. પરંતુ શું કંપનીઓ પાસે આવા દાવા સાબિત કરવા માટે ખરેખર પુરાવા છે? આ જ મુદ્દે હવે ભારતમાં નિયમનકારી કડકાઈ વધી છે. 

ગ્રીનવોશિંગ શું છે અને કંપનીઓ કેવી રીતે કરે છે?

કંપનીઓ જ્યારે પોતાના ઉત્પાદન અથવા સેવાને વાસ્તવિકતા કરતાં વધારે પર્યાવરણલક્ષી બતાવે છે અથવા પુરાવા વગર એવા દાવા કરે છે, ત્યારે તેને ‘ગ્રીનવોશિંગ’ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપની પોતાના ઉત્પાદનના પેકેટ પર ‘ઇકો-ફ્રેન્ડલી’ લખે, પરંતુ તેની બનાવટમાં કેટલું પ્રદૂષણ થાય છે અથવા પેકેજિંગ ખરેખર રિસાઇકલ થઈ શકે છે કે નહીં તેની કોઈ માહિતી ન આપે. ઘણી વખત કંપનીઓ જાહેરાતમાં લીલા રંગ, વૃક્ષો અને કુદરતી વાતાવરણની તસવીરોનો ઉપયોગ કરીને પણ ગ્રાહકોના મનમાં પર્યાવરણલક્ષી ઉત્પાદન હોવાની છાપ ઊભી કરે છે. પરંતુ કોઈ ઉત્પાદનનો માત્ર દેખાવ તેને પર્યાવરણ માટે સારું સાબિત કરતો નથી. તેના માટે ચોક્કસ માહિતી અને પુરાવા જરૂરી છે.

ભારતમાં કંપનીઓ માટે કયા નિયમો છે?

ઓક્ટોબર 2024માં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ગ્રીનવોશિંગ અને ભ્રામક પર્યાવરણલક્ષી દાવાઓને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ નિયમો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ લાગુ પડે છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ‘ગ્રીન’, ‘ઇકો-ફ્રેન્ડલી’, ‘નેચરલ’, ‘કાર્બન ન્યુટ્રલ’ અને ‘સસ્ટેનેબલ’ જેવા શબ્દોનો ઉપયોગ કરતી વખતે કંપનીઓએ તેના અર્થ અને આધારની સ્પષ્ટતા કરવી પડશે. દાવાને વિશ્વસનીય પ્રમાણપત્ર, વૈજ્ઞાનિક માહિતી અથવા સ્વતંત્ર ચકાસણીથી સાબિત કરવો જરૂરી છે. 

ઉદાહરણ તરીકે, કોઈ કંપની પોતાના પેકેજિંગમાં 30 ટકા રિસાઇકલ થયેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી હોવાનો દાવો કરે તો તેની પાછળનો ડેટા અને ચકાસણી ઉપલબ્ધ હોવી જોઈએ. માત્ર ‘પર્યાવરણ માટે સારું’ એવું લખી દેવાથી કામ નહીં ચાલે.

ખોટા દાવા બદલ ₹50 લાખ સુધીનો દંડ

ભ્રામક જાહેરાતો સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપની અથવા સંબંધિત પક્ષ સામે ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર ઉલ્લંઘન થાય તો આ દંડ ₹50 લાખ સુધી પહોંચી શકે છે. આ નિયમોની અસર જાહેરાત બનાવતી એજન્સીઓ, બ્રાન્ડ્સ અને જાહેરાતમાં દાવા કરતા પક્ષો માટે પણ મહત્વપૂર્ણ છે. કંપનીએ કોઈ પર્યાવરણલક્ષી દાવો કર્યો હોય તો તેની પાછળ પુરાવા હોવા જોઈએ. માત્ર માર્કેટિંગ ટીમે તૈયાર કરેલા આકર્ષક શબ્દોના આધારે જાહેરાત ચલાવવી જોખમી બની શકે છે.

ગ્રાહકોનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે

ગ્રીનવોશિંગની સમસ્યા માત્ર કાયદા પૂરતી મર્યાદિત નથી. તેની સીધી અસર ગ્રાહકોના વિશ્વાસ પર પડે છે. LS Digitalના અહેવાલ મુજબ, ભારતમાં માત્ર 29 ટકા ગ્રાહકો જ ગ્રીન માર્કેટિંગના દાવાઓ પર વિશ્વાસ કરે છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા ટાંકવામાં આવેલા YouGovના સર્વેમાં 71 ટકા ગ્રાહકોએ જણાવ્યું હતું કે તેમણે ગ્રીનવોશિંગનો અનુભવ કર્યો છે. અગાઉના ASCIના એક અભ્યાસમાં 79 ટકા પર્યાવરણલક્ષી દાવાઓ અતિશયોક્તિપૂર્ણ અથવા ભ્રામક હોવાનું નોંધાયું હતું. આ આંકડા દર્શાવે છે કે ગ્રાહકો હવે માત્ર પેકેટ પર લખેલા દાવાઓના આધારે ઉત્પાદન ખરીદવા તૈયાર નથી. તેઓ કંપની પાસેથી પારદર્શિતા અને વિશ્વસનીય માહિતીની અપેક્ષા રાખે છે.

હવે કંપનીઓએ દાવા કરતાં પુરાવા પર ધ્યાન આપવું પડશે

બ્રાન્ડ્સ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે માર્કેટિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રહે. કોઈ કંપની પર્યાવરણલક્ષી હોવાનો દાવો કરે તે પહેલાં તેની પાછળનો ડેટા ચકાસવો જરૂરી છે. જાહેરાત જાહેર થાય તે પહેલાં કાનૂની અને સસ્ટેનેબિલિટી ટીમની મંજૂરી પણ મહત્વપૂર્ણ બની શકે છે. કંપનીએ ‘ઇકો-ફ્રેન્ડલી’ જેવા સામાન્ય શબ્દો વાપરવાને બદલે ચોક્કસ દાવો કરવો જોઈએ. જેમ કે, ‘પેકેજિંગમાં 30 ટકા રિસાઇકલ થયેલી સામગ્રીનો ઉપયોગ’ અને તેની સાથે સ્વતંત્ર ચકાસણીનો આધાર આપવો.

આગામી સમયમાં ગ્રાહકોને આકર્ષવા માટે માત્ર ‘ગ્રીન’ અથવા ‘સસ્ટેનેબલ’ જેવા શબ્દો પૂરતા નહીં રહે. કંપનીઓએ ખરેખર પર્યાવરણ માટે શું કર્યું છે અને તેના પુરાવા શું છે તે બતાવવું પડશે. હવે ગ્રીન માર્કેટિંગમાં સૌથી મહત્વની બાબત દાવો નહીં, પરંતુ તેને સાબિત કરવાની ક્ષમતા બનશે.

આ પણ વાંચો: Bisleriના પાણી પરના વિવાદમાં નવો વળાંક, રિટેસ્ટમાં શું સામે આવ્યું?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *