ડાયમંડ સિટી સુરતના જાહેર પરિવહન માળખાને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ મહિના સુધીમાં શહેરમાંથી ડીઝલ બસો દૂર કરીને કુલ 1,050 ઈલેક્ટ્રિક (ઈ-બસો) બસો દોડાવવામાં આવશે, જેનાથી સુરતની પરિવહન સેવા વધુ આધુનિક અને ગ્રીન બનશે.
સુરત શહેરમાં તબક્કાવાર નવી 600 ઈલેક્ટ્રિક બસો સેવામાં જોડાશે
હાલમાં સુરત શહેરમાં આશરે 450 ઈલેક્ટ્રિક બસો દોડી રહી છે. આ કાફલાને વિસ્તારીને 1,050 સુધી પહોંચાડવા માટે આગામી મહિનાઓમાં તબક્કાવાર નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરવામાં આવશે.ડિસેમ્બર મહિનામાં 100 નવી ઈ-બસ સેવામાં જોડાશે,એપ્રિલ મહિનામાં 300 નવી ઈ-બસનો ઉમેરો થશે,ઓગસ્ટ મહિના સુધીમાં વધુ 200 નવી ઈ-બસ સેવામાં જોડાશે.
દરરોજ સવા બે લાખથી વધુ મુસાફરો લઈ રહ્યા છે બસ સેવાનો લાભ
વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ (BRTS)ની કુલ આશરે 630 બસો કાર્યરત છે, જેમાંથી 450 ઈલેક્ટ્રિક બસો છે અને બાકીની બસો ડીઝલથી ચાલે છે. શહેરની આ બંને જાહેર પરિવહન સેવાઓનો દરરોજ સવા બે લાખ (2.25 લાખ)થી વધુ મુસાફરો લાભ લઈ રહ્યા છે. ઓગસ્ટ સુધીમાં તમામ ડીઝલ બસો દૂર થઈને 1,050 ઈ-બસો દોડતી થતાં શહેરીજનોને વધુ ઝડપી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત મુસાફરીનો લાભ મળશે.
