અમેરિકામાં 60 વર્ષ જૂના ઝેરી વિસ્ફોટકને ઉડાવવાની તૈયારી:ધુમાડો 160 કિમી સુધી ફેલાઈ શકે છે; 8 કિમી વિસ્તાર ખાલી કરાવ્યો, લોકો ઘરોમાં કેદ

📅 Published: November 25, 2026 | 📂 Category: International

અમેરિકાના આયોવા રાજ્યના મિડલટાઉન શહેરમાં લોકો ડરી ગયા છે. કેટલાક લોકોએ ઘરોની બારીઓ બંધ કરી દીધી છે, તો કેટલાક બાળકોને બહાર મોકલવાનું ટાળી રહ્યા છે. કેટલાક પરિવારો બીજી જગ્યાએ જવાની તૈયારી કરી રહ્યા છે. હકીકતમાં, અમેરિકી સેના મિડલટાઉન નજીક આવેલા પોતાના એક સૈન્ય મથક પર રાખેલા 4.4 ટન ઝેરી વિસ્ફોટકોને વિસ્ફોટ દ્વારા નષ્ટ કરવા જઈ રહી છે. આશરે 400ની વસતી ધરાવતા આ શહેરના લોકોને ભય છે કે વિસ્ફોટ બાદ ઝેરી ધૂળ તેમના ઘરો સુધી પહોંચી શકે છે. સેનાના જણાવ્યા અનુસાર, તેમાંથી નીકળતી સીસાની ઝેરી ધૂળ હવાની સાથે 160 કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. વિસ્ફોટ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 8:30 વાગ્યે કરવામાં આવશે. બે બંકરોમાં રાખવામાં આવ્યા છે ઝેરી વિસ્ફોટકના 68 ડ્રમ આ વિસ્ફોટક આયોવાના મિડલટાઉન સ્થિત આયોવા સૈન્ય દારૂગોળા ફેક્ટરીમાં રાખવામાં આવ્યું છે. તેને 68 ડ્રમમાં ભરીને બે બંકરોમાં રાખવામાં આવ્યું છે. આ લેડ એઝાઇડ નામનું કેમિકલ છે, જેનો ઉપયોગ બોમ્બ અને અન્ય સૈન્ય હથિયારોમાં વિસ્ફોટ શરૂ કરવા માટે કરવામાં આવે છે. સેનાને માર્ચ 2026માં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કેમિકલ ખરાબ થઈ ગયું છે. ડ્રમોની બહાર અને ઢાંકણાં પર સફેદ સ્ફટિકો જામી ગયા છે. આ કેમિકલ એટલું ખતરનાક બની ગયું છે કે ડ્રમને હલાવવાથી, ખોલવાથી અથવા સ્ફટિકોને સ્પર્શ કરવાથી પણ વિસ્ફોટ થઈ શકે છે. વિસ્ફોટ પહેલાં લોકોને ઘરોમાં રહેવાની સલાહ સેનાએ લોકોને વિસ્ફોટના સમયે ઘરની અંદર રહેવા અને બારીઓ બંધ રાખવા જણાવ્યું છે. મોબાઇલ ફોન પર મોકલવામાં આવેલા એલર્ટમાં જણાવાયું છે કે સૈન્ય મથકથી 5 માઇલ એટલે કે આશરે 8 કિલોમીટરના વિસ્તારમાં રહેતા કેટલાક લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવી શકે છે. દરમિયાન, 20 માઈલ એટલે કે આશરે 32 કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને હૃદય, કિડનીની બીમારી અથવા ડિમેન્શિયાથી પીડાતા લોકોને ખાસ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. સેનાના અંદાજ મુજબ, વિસ્ફોટ બાદ નીકળતી ધૂળ હવા સાથે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ફેલાઈ શકે છે અને ઉત્તરી મિસૌરી સુધી પહોંચી શકે છે. જોકે, ધૂળ કેટલી દૂર સુધી જશે તે હવાની દિશા અને હવામાન પર નિર્ભર રહેશે. સીસું શરીરમાં પહોંચશે તો નુકસાન કરશે લેડ એઝાઇડમાં રહેલું સીસું મનુષ્યો માટે ઝેરી હોય છે. વિસ્ફોટ બાદ તેની ધૂળ શ્વાસ દ્વારા શરીરમાં જઈ શકે છે. આ ધૂળ જમીન અને અન્ય સપાટીઓ પર જમા થયા પછી તેને સ્પર્શવાથી અથવા ભૂલથી ગળી જવાથી પણ શરીરમાં પહોંચી શકે છે. અમેરિકન આરોગ્ય એજન્સી CDC મુજબ, બાળકોના શરીરમાં સીસું પહોંચવાથી તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડી શકે છે. તેનાથી શીખવા, સાંભળવા, બોલવા અને વર્તન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઇલિનોઇસના આરોગ્ય વિભાગના નિર્દેશક ડૉ. સમીર વોહરાએ કહ્યું કે શરીરમાં સીસાની કોઈપણ માત્રા સુરક્ષિત માનવામાં આવતી નથી. કેમિકલ દૂર કરવાનો બીજો રસ્તો મળ્યો નથી સેનાએ પહેલા આ કેમિકલને અન્ય રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે એક ખાનગી કંપનીને કામ પણ સોંપવામાં આવ્યું હતું, પરંતુ સુરક્ષા સંબંધિત જોખમો સામે આવ્યા બાદ આશરે બે મહિનામાં આ કામ રોકી દેવામાં આવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રમ ખોલવા અથવા તેને બીજી જગ્યાએ લઈ જવું પણ જોખમી છે. તેથી સેનાએ નિયંત્રિત વિસ્ફોટને સૌથી ઓછું જોખમ ધરાવતી રીત ગણાવી છે. સેનાના અધિકારી કર્નલ એરોન ટેલરે જણાવ્યું કે ડ્રમના ઢાંકણા પણ ખોલી શકાય તેમ નથી. લોકોની મદદ માટે 300થી વધુ કર્મચારીઓ તહેનાત અમેરિકી પર્યાવરણ એજન્સી EPAના 300થી વધુ કર્મચારીઓ સ્થળ પર દેખરેખ રાખશે. વિસ્ફોટ પહેલાં માટી, પાણી, હવા અને ધૂળના 1,200થી વધુ નમૂના લેવામાં આવી ચૂક્યા છે. વિસ્ફોટ પછી પણ પ્રદૂષણની તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો સફાઈ કરાવવામાં આવશે. FEMA અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂર પડે ત્યારે અન્ય સ્થળે ખસેડવામાં મદદ કરશે. તેમાં આવન-જાવનની વ્યવસ્થા, રહેવાની જગ્યા અને ભોજનનો સમાવેશ થાય છે. આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સે ત્રણ કાઉન્ટીમાં કટોકટી જાહેર કરી છે. લોકોની સુરક્ષા અને મદદ માટે રાજ્યના નેશનલ ગાર્ડના 100 સુધીના જવાનોને પણ તહેનાત કરવામાં આવશે. વિસ્ફોટ કરવા માટે અદાલતમાંથી સેનાને મંજૂરી મળી આ વિસ્ફોટ પહેલાં શુક્રવારે કરવાનો હતો, પરંતુ વિરોધ અને કાનૂની અડચણોને કારણે તેને મુલતવી રાખવો પડ્યો. પર્યાવરણ સંગઠનોએ આશંકા વ્યક્ત કરી હતી કે વિસ્ફોટથી ઝેરી ધૂળ હવા અને પાણીને પ્રદૂષિત કરી શકે છે. તેને રોકવા માટે તેમણે અદાલતનો દરવાજો ખટખટાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કોર્ટનો નિર્ણય આવે અને રાજ્યના નવનિર્વાચિત ગવર્નર રોબ સૅન્ડની મંજૂરી મળે ત્યાં સુધી સેનાને રોકાવાનો આદેશ આપ્યો હતો. જોકે, સોમવારે અમેરિકાની અપીલ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સેનાને વિસ્ફોટની તૈયારી આગળ વધારવાની મંજૂરી આપી દીધી. આયવાના નવનિર્વાચિત સેનેટર જોશ ટ્યુરેકે કહ્યું કે વિસ્ફોટકને આ સ્થિતિ સુધી પહોંચવા જ દેવું જોઈતું ન હતું. તેમણે આ મામલે સેના અને વહીવટીતંત્રની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *