EL Nino અને દુષ્કાળના પડકારો પર ખેડૂતોનો ભારે જુસ્સો ! 5 વર્ષના સરેરાશ કરતાં 97.67 લાખ ટન વધુ ઉત્પાદન – શિવરાજસિંહ ચૌહાણ

📅 Published: November 26, 2026 | 📂 Category: Business

ભારતના કૃષિ ક્ષેત્ર માટે મોટી સફળતાના સમાચાર સામે આવ્યા છે. દેશના ખેડૂતોએ પોતાની મહેનત અને કૃષિ ક્ષેત્રે થયેલા પ્રયાસોના જોરે અનાજ ઉત્પાદનના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વર્ષ 2025-26ના મુખ્ય કૃષિ પાકોના અંતિમ ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ, દેશમાં કુલ અનાજનું ઉત્પાદન વધીને 3,785.38 લાખ ટનના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, વર્ષ 2024-25માં નોંધાયેલા 3,577.32 લાખ ટન ઉત્પાદનની સરખામણીએ આ વખતે 208.06 લાખ ટનનો વધારો થયો છે. ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ અને તેલીબિયાં સહિત અનેક પાકોમાં ઉત્પાદન વધતાં ભારતીય કૃષિ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે.

દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શિવરાજસિંહ ચૌહાણે આ સિદ્ધિનો શ્રેય દેશના ખેડૂતોની મહેનત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની કૃષિ નીતિઓને આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે, ભારત આજે માત્ર પોતાની ખાદ્ય જરૂરિયાતો પૂરી કરતું નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ કૃષિ ક્ષેત્રે મજબૂત સ્થાન ધરાવે છે. ચોખા, કઠોળ, શણ, બરછટ અનાજ અને મસાલાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જ્યારે ઘઉં, કપાસ, મગફળી તથા ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે છે.

ચોખા-ઘઉંના ઉત્પાદનમાં ઐતિહાસિક ઉછાળો, મકાઈએ પણ તોડ્યા રેકોર્ડ

વર્ષ 2025-26ના અંતિમ આંકડામાં ચોખા અને ઘઉંના ઉત્પાદનની સિદ્ધિ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. દેશમાં ચોખાનું ઉત્પાદન 1,551.54 લાખ ટન નોંધાયું છે, જે અગાઉના વર્ષ કરતાં 49.70 લાખ ટન વધારે છે. બીજી તરફ, ઘઉંનું ઉત્પાદન પણ વધીને 1,220.64 લાખ ટનના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ઘઉંના ઉત્પાદનમાં એક વર્ષમાં 41.19 લાખ ટનનો વધારો નોંધાયો છે.

મકાઈના ઉત્પાદનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં 434.09 લાખ ટન મકાઈનું ઉત્પાદન થયું હતું, જે વધીને વર્ષ 2025-26માં 550.25 લાખ ટન થયું છે. આ ઉપરાંત, પોષક અને બરછટ અનાજનું કુલ ઉત્પાદન 740.80 લાખ ટન રહ્યું છે, જેમાં શ્રી અન્નનું ઉત્પાદન 172.09 લાખ ટન નોંધાયું છે.

કઠોળ અને તેલીબિયાંમાં પણ ભારતની મજબૂત પ્રગતિ

કઠોળના ઉત્પાદનમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અગાઉના વર્ષમાં 256.83 લાખ ટન રહેલું કુલ કઠોળ ઉત્પાદન આ વખતે વધીને 272.40 લાખ ટન થયું છે. તેમાં મગનું ઉત્પાદન 43.96 લાખ ટન સાથે નવા રેકોર્ડ પર પહોંચ્યું છે. જ્યારે ચણાનું ઉત્પાદન 125.13 લાખ ટન અને તુવેરનું ઉત્પાદન 35.99 લાખ ટન નોંધાયું છે.

તેલીબિયાંના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2025-26માં કુલ તેલીબિયાંનું ઉત્પાદન 432.55 લાખ ટન રહ્યું છે. તેમાં મગફળીનું ઉત્પાદન 131.71 લાખ ટન અને રાયડા-સરસવનું ઉત્પાદન 137.66 લાખ ટન નોંધાયું છે.

જ્યારે સોયાબીનનું ઉત્પાદન 126.36 લાખ ટન રહ્યું છે. સરકાર હવે ચોખા અને ઘઉંમાં પૂરતા ઉત્પાદન બાદ કઠોળ અને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. આ માટે કઠોળ મિશન અને તેલીબિયાં મિશન હેઠળ ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

અલ નીનો અને ઓછા વરસાદના પડકાર વચ્ચે ખરીફ ઉત્પાદનનો અંદાજ 1,671 લાખ ટન

કૃષિ મંત્રીએ વર્ષ 2026-27ની ખરીફ સિઝનના પ્રથમ આગોતરા ઉત્પાદન અંદાજો પણ જાહેર કર્યા છે. આ વખતે અલ નીનોની અસર, જૂન મહિનામાં ચોમાસાના આગમનમાં વિલંબ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા તથા આંધ્રપ્રદેશ જેવા મુખ્ય કૃષિ રાજ્યોમાં જમીનની ભેજ ઘટવાથી ખેતી સામે પડકારો ઊભા થયા હતા.

તેમ છતાં ખેડૂતોની મહેનત, સરકારી યોજનાઓ અને હવામાનને અનુકૂળ પાકની જાતોના આધારે ખરીફ સિઝનમાં કુલ અનાજનું ઉત્પાદન 1,671.43 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે.

આ ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ખરીફ ઉત્પાદન કરતાં 97.67 લાખ ટન વધુ છે. ખરીફ ચોખાનું ઉત્પાદન 1,219.05 લાખ ટન અને બરછટ તથા પોષક અનાજનું ઉત્પાદન 381.05 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે કુલ કઠોળનું ઉત્પાદન 71.32 લાખ ટન અને તેલીબિયાંનું ઉત્પાદન 239.47 લાખ ટન રહેવાની શક્યતા છે.

શેરડી, કપાસ અને શણના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર આંકડા

અનાજ ઉપરાંત રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ ભારતે મહત્ત્વના આંકડા નોંધાવ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન શેરડીનું ઉત્પાદન 5,037.29 લાખ ટન, કપાસનું ઉત્પાદન 280.06 લાખ ગાંસડી અને શણ તથા મેસ્તાનું ઉત્પાદન 94.28 લાખ ગાંસડી નોંધાયું છે. અહીં કપાસની એક ગાંસડીનું વજન 170 કિલોગ્રામ અને શણની એક ગાંસડીનું વજન 180 કિલોગ્રામ ગણવામાં આવ્યું છે.

ખરીફ 2026-27 માટે શેરડીનું ઉત્પાદન 4,543.39 લાખ ટન, કપાસનું 248.66 લાખ ગાંસડી અને શણ તથા મેસ્તાનું 97.06 લાખ ગાંસડી રહેવાનો પ્રથમ આગોતરો અંદાજ છે.

ભારતીય ચોખાની વિદેશમાં વધતી માંગ, નિકાસમાં 5 ટકાનો વધારો

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારતીય કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક માંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત પાસે ચોખા અને ઘઉંનો પૂરતો જથ્થો છે અને ભારતીય ચોખાની દુનિયાભરમાં માંગ વધી રહી છે.

ચોખાની નિકાસમાં 5 ટકાનો વધારો નોંધાયો છે. અમેરિકા, કેનેડા અને મધ્ય પૂર્વ સહિતના દેશોમાં ભારતીય બાસમતી ચોખાની લોકપ્રિયતા વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારનું આગામી લક્ષ્ય માત્ર ઉત્પાદન વધારવાનું નથી, પરંતુ પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપીને કઠોળ અને ખાદ્યતેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનું પણ છે.

નોંધનીય છે કે, વર્ષ 2025-26ના આંકડા અંતિમ ઉત્પાદન અંદાજ છે, જ્યારે ખરીફ 2026-27ના આંકડા પ્રથમ આગોતરા અંદાજ છે. પાકની કાપણી બાદ વાસ્તવિક ઉત્પાદનના આંકડા મળતાં તેમાં સુધારો થઈ શકે છે. આ આંકડા ડિજિટલ ક્રોપ સર્વે, રિમોટ સેન્સિંગ, રાજ્યો પાસેથી મળેલી માહિતી અને વૈજ્ઞાનિક ચકાસણીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:PMModi: ‘વિરોધ પક્ષ નહીં, અવરોધ પક્ષ બની ગયો છે વિપક્ષ’, બંધારણ દિવસે PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *