સુરત જિલ્લાના બારડોલી નજીક એક જ શ્રમજીવી પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બારડોલીના સરભણ ગામ પાસે આવેલી નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના સગાઓએ મૃતદેહની ઓળખ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
લાપતા બાળકોની શોધખોળ વચ્ચે વધુ એક મૃતદેહ મળ્યો
આ ઘટનામાં અગાઉ માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. 13 વર્ષનો કિશોર જીવિત બચી ગયો હતો, જ્યારે અન્ય બાળકોની શોધખોળ ચાલી રહી હતી. હવે પ્રથમેશનો મૃતદેહ મળી આવતાં તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી મળી છે.
મહારાષ્ટ્રથી એક આરોપીની ધરપકડ
આ કેસમાં બારડોલી પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ નજીકથી દયાનંદ ઉર્ફે ખાંડ્યાની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.
વીમા પોલિસી કૌભાંડની આશંકા
સમગ્ર ઘટનામાં વીમા પોલિસીનો મામલો હોવાની પોલીસને આશંકા છે. પોલીસના અનુમાન મુજબ, મૃતક કવિતાના પ્રથમ પતિના અકસ્માતમાં થયેલા મૃત્યુને લઈને વીમાની રકમ મેળવવાનું કૌભાંડ આ ઘટનાના મૂળમાં હોઈ શકે છે.
કવિતાએ કોર્ટમાં બોગસ ક્લેમ કર્યો હોવાની વિગતો
પ્રથમ પતિના અવસાન બાદ કવિતાએ કોર્ટમાં બોગસ ક્લેમ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસના અનુમાન મુજબ, આ કૌભાંડનો ભાંડો ફૂટતાં તેમાં સામેલ હોવાની આશંકા ધરાવતા લોકોએ પરિવારની હત્યા કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે.
હત્યા પાછળનું સાચું કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે
હાલ વીમા પોલિસી કૌભાંડ અને પરિવારની હત્યા વચ્ચેની કડી અંગે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીની પૂછપરછ અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
