હાર્દિક બાદ કથીરિયાનો આક્રમક અંદાજ:અલ્પેશે હાર્દિક સાથેનો ફોટો પોસ્ટ કરી લખ્યું- 'અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા', ચૂંટણી પહેલાં મોટો સંકેત, નવાજૂનીના મૂડમાં?

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઊભી કરનારા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૂકેલી એક સૂચક પોસ્ટ બાદ, તેમના સમર્થનમાં અલ્પેશ કથીરિયાએ પણ એવા જ આક્રમક અંદાજમાં પોસ્ટ મૂકતા પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. હાર્દિક પટેલની રહસ્યમય પોસ્ટથી થઈ શરૂઆત
સમગ્ર ઘટનાની શરૂઆત 25 નવેમ્બરની સાંજે થઈ હતી, જ્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં તમિલ સુપરસ્ટાર અને નેતા વિજય થલપતિનું ગીત મૂકવામાં આવ્યું હતું. જોકે, સૌથી વધુ ધ્યાન તેના કેપ્શને ખેંચ્યું હતું, જેમાં હાર્દિકે લખ્યું હતું કે, “મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી.” આ પોસ્ટ ગણતરીના કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી. અલ્પેશ કથીરિયાએ સમર્થનમાં લખી આક્રમક પોસ્ટ
હાર્દિક પટેલની પોસ્ટ વાયરલ થયા બાદ, આંદોલન સમયના તેમના સાથી અને પાસ (PAAS)ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરી હતી. તેમણે હાર્દિકના સૂરમાં સૂર પુરાવતા કેપ્શનમાં લખ્યું કે, “અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી.” એક જ સમયે બંને નેતાઓની આવી પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે. સમર્થનમાં પોસ્ટ મૂકી, પણ કારણથી અજાણ: અલ્પેશ કથીરિયા
એક સમયે સરકાર સામે બાંયો ચઢાવનાર આ બંને નેતાઓ હાલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સક્રિય છે. ત્યારે અચાનક આવી પોસ્ટ કોને ઉદ્દેશીને લખવામાં આવી છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આ સમગ્ર મામલે જ્યારે અલ્પેશ કથીરિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે આ પોસ્ટ માત્ર હાર્દિક પટેલના સમર્થનમાં જ મૂકી છે. જોકે, હાર્દિક પટેલે આ પોસ્ટ કયા સંદર્ભમાં અને શા માટે લખી છે તે અંગે પોતાને કોઈ જાણ ન હોવાનું તથા આ બાબતે તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઈ હોવાનું કથીરિયાએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી પહેલાં શક્તિ પ્રદર્શન કે નારાજગી?
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ રાજ્યમાં અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આવા સમયે હાર્દિક અને અલ્પેશની આ પોસ્ટ અનેક સવાલો ઊભા કરી રહી છે. શું આ બંને નેતાઓ પક્ષના કોઈ નિર્ણય કે નેતાથી નારાજ છે? કે પછી આગામી ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય વજન અને મહત્વ બતાવવા માટે આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે? હાલ તો આ બંને નેતાઓની ‘ખામોશી’ પાછળનો અસલી ઈશારો કોના તરફ છે, તે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *