માત્ર 10 મિનિટમાં જ કરોડોના કામો મંજૂર:ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 27 કરોડથી વધુના કામોને લીલીઝંડી અપાઈ

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભા માત્ર દસેક મિનિટમાં રૂ.27 કરોડથી વધુના વિવિધ જનહિતના કામોને મંજૂરીની મહોર મારી આટોપી દેવાઈ હતી. આ સભામાં કલોલ તથા માણસા તાલુકાના 28 જેટલા તળાવોને એકબીજા સાથે જોડવાની યોજના માટે 22 કરોડની વહીવટી મંજૂરી અપાઈ હતી.જ્યારે 16મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 4.72 કરોડના ખર્ચે લગભગ 120 કામોનું આયોજન મંજૂર કરાયું હતું. બેઠકમાં કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાની નારાજગી
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મંજૂરીઓ વચ્ચે પંચાયત હસ્તક થતી કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાની નારાજગી પણ બેઠકમાં વ્યક્ત થઈ હતી. 16મા નાણાપંચના ફંડમાંથી હાથ ધરાનારા આશરે 120 કાર્યોમાં પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ અને શેડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલે પંચાયતના જૂના ડેડ સ્ટોકની ચકાસણી કરીને ભંગારનો સત્વરે નિકાલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમાંથી ઉપજતી રકમ સ્વભંડોળમાં જમા કરવા માટે રજૂઆત કરી હતી. કોઈ સભ્યએ પ્રશ્ન ન પૂછતા 10 જ મિનિટમાં બેઠક પૂર્ણ
કલોલ અને માણસા વિસ્તારમાં 28 તળાવોના આંતરિક જોડાણની મંજૂરી હેઠળ કલોલ તાલુકાના પાનસરમાં 2, સાંતેજથી વડસર તથા હાજીપુરમાં 2-2, હિંમતપુરા (વેડા)માં 2 અને પલિયડ તેમજ જસપુરમાં 3-3 તળાવો જોડવામાં આવશે. બીજી તરફ માણસા તાલુકાના પારસામાં 3, ખડાતમાં 3, ખાટાઆંબામાં 3 અને પુંધરામાં આશરે 6 તળાવોના જોડાણની કામગીરી કરાશે.ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં વિકાસકાર્યોને બહાલી આપવાના હેતુથી આ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. સભ્યો દ્વારા કોઈ પ્રશ્ન ન પૂછવામાં આવતા આખી બેઠક માત્ર દસ જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *