Vadodara : દરકુડી ગામે દીપડાની લટારથી ખેડૂતોમાં ફેલાયેલો ફ્ફ્ડાટ

📅 Published: November 26, 2026 | 📂 Category: Baroda

ડેસર તાલુકામાં છેલ્લા બે મહિનાથી વિવિધ વિસ્તારમાં દીપડાની અવરજવર વધતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે હવે દરકુડી ગામના ખેતરોમાં રાત્રિના સમયે દીપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે. થોડા દિવસ અગાઉ લીમડાના મુવાડા-છાલીયેર માર્ગ પર પણ દીપડાએ લટાર મારી હતી. જેને પગલે વનવિભાગ દ્વારા પાંચ દિવસથી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું છે. જોકે, આ દરમિયાન દરકુડીના ખેતરોમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, દરકુડી ગામના ખેડૂત ભાવેશ રંગીત રાઠોડ તમાકુના પાકની રખેવાળી કરવા માટે રાત્રે ખેતરમાં લીમડાના વૃક્ષ ઉપર માળો બનાવીને રોકાણ કરે છે. દરમિયાન રાત્રિના 9:24 વાગ્યાના અરસામાં લીમડાના વૃક્ષ નીચે ખખડાટનો અવાજ સંભળાતાં તેમણે બેટરીનો પ્રકાશ પાડીને નીચે નજર કરી હતી. ત્યારે ખેતરમાં દીપડો જોવા મળતાં ખેડૂતના હાજા ગગડી ગયા હતા. જોકે, વૃક્ષ ઉપર બેઠા બેઠા જ તેમણે હિંમત કરીને પોતાના મોબાઈલમાં દીપડાનો ફોટો પણ કેદ કર્યો હતો. દરકુડીના ખેતરોમાં દીપડો દેખાયો હોવાના મેસેજ અને ફોટા વોટ્સએપ ગ્રૂપમાં ફરતા થતાં લટવા અને દરકુડી સહિત આસપાસનાં ગામોમાં પણ ફ્ફ્ડાટ ફેલાયો હતો. ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં જતાં પણ ગભરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સાપિયા ગામે બે દીપડા વચ્ચે લડાઈ દરમિયાન બંને દીપડા ખેડૂતના અવાવરું કૂવામાં ખાબક્યા હતા. ત્યારબાદ સાપિયા વિસ્તારમાં દીપડાનાં બચ્ચાં પણ જોવા મળ્યાં હતા. વનવિભાગ દ્વારા દીપડાની અવરજવર ધરાવતા વિસ્તારોમાં અસરકારક શોધખોળ હાથ ધરી વહેલી તકે દીપડાઓને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય જંગલ વિસ્તારમાં ખસેડવા ડેસર તાલુકાના ખેડૂતો દ્વારા માગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *