AI થી 2.4 કરોડ નોકરીઓ પર ખતરો..જાણો કયા કામો પર થશે સૌથી વધુ અસર

📅 Published: November 27, 2026 | 📂 Category: Business

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ટેકનોલોજીકલ જગત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ બેંકિંગ, ફાઇનાન્સ, મીડિયા, IT અને કોર્પોરેટ ક્ષેત્રમાં તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. કંપનીઓ AI દ્વારા એવા અનેક કાર્યો કરી રહી છે જે પહેલા કર્મચારીઓને પૂરા કરવામાં કલાકો લાગતા હતા, જેના કારણે કાર્યકારી વ્યાવસાયિકોમાં ચિંતા વધી છે.

AIથી વધ્યું નોકરી પર સંકટ, રીપોર્ટ

જેપી મોર્ગન વેલ્થ મેનેજમેન્ટના અહેવાલ મુજબ, આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે આશરે 2.4 કરોડ (24 મિલિયન) જ્ઞાન કાર્યકરોની નોકરીઓ AIથી પ્રભાવિત થઈ શકે છે, જોકે તેનો અર્થ એ નથી કે આટલા મોટી સંખ્યામાં લોકોને સીધી રીતે છૂટા કરી દેવામાં આવશે. રિપોર્ટ દર્શાવે છે કે કંપનીઓ નવી ભરતી ઘટાડી શકે છે અને કર્મચારીઓના કેટલાક કાર્યોને AIથી બદલવાનું શરૂ કરી શકે છે. આ સંભવિત બદલાવની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી શકે છે, જ્યાં આશરે 1.6 કરોડ (16 મિલિયન) કર્મચારીઓ પર અસર પડવાનો અંદાજ છે.

દર વર્ષે કેટલી નોકરીઓ પર પડી શકે છે અસર?

જેપી મોર્ગનના અહેવાલ મુજબ, આગામી પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે વૈશ્વિક જ્ઞાન કાર્યબળના આશરે 1.3% હિસ્સાને અસર થઈ શકે છે. આ અનુમાન એ ધારણા પર આધારિત છે કે સંભવિત AI ખર્ચનો અડધો ભાગ અગાઉ કર્મચારીઓ દ્વારા થતા કાર્યો કરવા માટે વપરાશે અને AIને કામે લગાડવાનો ખર્ચ બદલી શકાય તેવા કર્મચારીઓના ખર્ચ કરતાં લગભગ અડધો રહેશે.

અહેવાલ એ તરફ પણ ધ્યાન દોરે છે કે નોકરીઓ પર મોટી અસર સીધી છટણીને બદલે ઓછી ભરતીના રૂપે દેખાઈ શકે છે. એટલે કે ખાલી જગ્યાઓ પર નવા કર્મચારીઓ ભરવાને બદલે કંપનીઓ AI ટૂલ્સનો ઉપયોગ વધારી શકે છે.

અમેરિકામાં 1.6 કરોડ કામદારો પર સંભવિત જોખમ

AIને કારણે નોકરી પર પડતી સંભવિત અસરનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં રહેવાની શક્યતા છે. જો AIથી પ્રભાવિત લગભગ બે-તૃતીયાંશ નોકરીઓ અમેરિકામાં હોય, તો આગામી પાંચ વર્ષમાં આશરે 1.6કરોડ કામદારો પ્રભાવિત થઈ શકે છે, જે સરેરાશ દર વર્ષે લગભગ 30 લાખ (3 મિલિયન) નોકરીઓની અસર સમાન છે.

રિપોર્ટ મુજબ આ આંકડો વાર્ષિક અમેરિકન પગારપત્રકના આશરે ૨% જેટલો થાય છે. 2000ના દાયકામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં થયેલા નોકરીના નુકસાનની સરખામણીમાં આ સંભવિત અસર ચાર ગણાથી વધુ હોઈ શકે છે અને મહામંદી દરમિયાન થયેલા નુકસાનના સ્તરની નજીક પહોંચી શકે છે, જોકે તે સમયનું મોટાભાગનું નુકસાન લગભગ બે વર્ષમાં થયું હતું જ્યારે AIની સંભવિત અસર પાંચ વર્ષ સુધી ફેલાયેલી હોઈ શકે છે.

શું AI બધી જ માનવ નોકરીઓ ખતમ કરી દેશે?

અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે AIની સૌથી મોટી અસર નોકરીઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા કરતાં કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ બદલવામાં જોવા મળી શકે છે. દરેક નોકરીમાં નાના-મોટા અનેક કાર્યો હોય છે, જેમાં કેટલાક કાર્યો AI આપમેળે કરી શકે છે જ્યારે અન્ય કાર્યોમાં તે કર્મચારીઓને મદદ કરે છે.

બેંકિંગ ક્ષેત્રમાં AI ડેટા એનાલિસ્ટ્સ માટે રિપોર્ટ તૈયાર કરવામાં અને સામાન્ય ગ્રાહક પ્રશ્નોના જવાબ આપવામાં ઉપયોગી બની રહ્યું છે, જ્યારે મીડિયા અને કન્ટેન્ટ ક્ષેત્રમાં સંશોધન, ડેટા પ્રોસેસિંગ અને પ્રારંભિક ડ્રાફ્ટિંગમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ છતાં અંતિમ નિર્ણય, ફેક્ટ-ચેકિંગ, વ્યૂહરચના ઘડવી અને જટિલ સમસ્યાઓ સમજવા માટે હજુ પણ માનવ કૌશલ્ય અત્યંત મહત્વનું છે, તેથી ઘણી ભૂમિકાઓનું સ્વરૂપ બદલાશે પણ બધી જ નોકરીઓ ખતમ થઈ જશે તેવું માનવું યોગ્ય નથી.

હાલ કેટલા કાર્યોમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે?

વિશ્વભરમાં AIમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું હોવા છતાં કંપનીઓમાં તેનો વાસ્તવિક ઉપયોગ હજુ પ્રારંભિક તબક્કામાં છે. અહેવાલો અનુસાર અમેરિકામાં કુલ કામકાજના કલાકોના માત્ર ૬% કલાકોમાં હાલ AIનો ઉપયોગ થાય છે, જ્યારે લગભગ બે-તૃતીયાંશ કાર્યો સૈદ્ધાંતિક રીતે AI માટે શક્ય છે. આ દર્શાવે છે કે AIની સંભાવના ઘણી મોટી છે, પરંતુ તેનો પૂરો લાભ લેવા માટે કંપનીઓએ નાના પાયલોટ પ્રોજેક્ટ્સથી આગળ વધીને દૈનિક કામગીરીમાં મોટા પાયે તેનો અમલ કરવો પડશે.

કયા કર્મચારીઓએ વધુ સાવધ રહેવું જરૂરી છે?

જે નોકરીઓમાં પુનરાવર્તિત ડિજિટલ અને ડેટા આધારિત કામ વધુ હોય છે તેના પર AIની અસર વધુ પડી શકે છે. આમાં ડેટા એન્ટ્રી અને ડેટા પ્રોસેસિંગ, સામાન્ય રિપોર્ટ કે દસ્તાવેજ બનાવવા, બેઝિક કસ્ટમર સપોર્ટ, પ્રારંભિક સંશોધન, નિયમિત એકાઉન્ટિંગ અને વહીવટી કામ તેમજ સામાન્ય કન્ટેન્ટ કે ટેક્સ્ટ તૈયાર કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રના તમામ લોકોની નોકરી જશે તેમ નહીં, પરંતુ કામ કરવાની રીત અને જરૂરી કુશળતામાં બદલાવ આવી શકે છે.

AIના યુગમાં કારકિર્દી સુરક્ષિત રાખવા શું કરવું?

જેપી મોર્ગનના અહેવાલ મુજબ AIની અસર ધીમે ધીમે વિવિધ ઉદ્યોગોમાં વિસ્તરી શકે છે, તેથી કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી સમજવી અને તેની સાથે કામ કરવાનું શીખવું જરૂરી છે. ભવિષ્યમાં AI ટૂલ્સનો ઉપયોગ, ડેટા એનાલિસિસ, ક્રિએટિવ થિંકિંગ, કમ્યુનિકેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી કુશળતા વધુ મહત્વની બનશે.

SAPમાં 10,000 કર્મચારીઓની છટણીની ચર્ચા અને અંદાજનું વાસ્તવિક ચિત્ર

બીજી તરફ, વિશ્વની અગ્રણી સોફ્ટવેર કંપનીઓમાંની એક જર્મનીની SAP AI યુગ મુજબ બિઝનેસ બદલવા માટે મોટા પુનર્ગઠનની તૈયારી કરી રહી છે અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ઓછામાં ઓછા 10,000 કર્મચારીઓને છૂટા કરવાનું વિચારી રહી છે, જે તેના વૈશ્વિક કાર્યબળના લગભગ 9% જેટલું થઈ શકે છે. જોકે, ૨.૪ કરોડ નોકરીઓ પ્રભાવિત થવાનો આંકડો ચોક્કસ છટણીની જાહેરાત નહીં પરંતુ એક સંભવિત પરિસ્થિતિનો અંદાજ છે. આગામી પાંચ વર્ષમાં રોજગાર ક્ષેત્રમાં કેટલો ફેરફાર થશે તે AI અપનાવવાની ઝડપ, કંપનીઓની વ્યૂહરચના અને કર્મચારીઓના બદલાતા કૌશલ્યો પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો : Gold Back India: લંડનથી 60 ટનથી વધુ ગોલ્ડ પોતાના સ્વદેશ પરત ફર્યુ, દેશમાં સોનાનો ભંડાર વધીને 84% થયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *