Surat News: ડ્રગ્સ સામે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, લાખોના એમડી ડ્રગ્સ અને હેરોઈન સાથે ત્રણ શખ્સો ઝડપાયા

📅 Published: November 27, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સિંગણપોર ચાર રસ્તા પાસેથી પ્રતિબંધિત નશીલા પદાર્થો સાથે ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

વિશાલ રાઠોડ, અનિલ કસારા અને રોશન દમઈ પાસેથી 14.770 ગ્રામ ડ્રગ્સ જપ્ત

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ વિશાલ રાઠોડ, અનિલ તારા કસારા અને રોશન કિશન દમઈ તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી કુલ 14.770 ગ્રામ એમડી ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 2,95,400 જેટલી થાય છે. આરોપીઓ પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અવર-જવર માટે ઉપયોગમાં લેવામાં આવેલા ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 4,99,270 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વરાછા મિની બજારના વોન્ટેડ શખ્સ પાસેથી લાવ્યા હતા ડ્રગ્સનો જથ્થો

પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે, આ આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી એમડી ડ્રગ્સ અને હેરોઈનના વેચાણના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા હતા. તેઓ આ ડ્રગ્સનો જથ્થો વરાછા મિની બજાર વિસ્તારમાં રહેતા એક વોન્ટેડ આરોપી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ

સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (માદક દ્રવ્ય વિરોધી કાયદો) હેઠળ કાયદેસરનો ગુનો નોંધી લીધો છે. તેમજ આ રેકેટના મુખ્ય મૂળ સુધી પહોંચવા અને ડ્રગ્સ સપ્લાય કરનારા વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Suratના ઓલપાડમાં 2 કરોડના નુકસાનનો ભેદ ઉકેલાયો, ફરિયાદીના સાળીનો પુત્ર જ નીકળ્યો આરોપી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *