મેગી, કિટકેટ, નેસ્કેફે અને મિલ્કમેઇડ જેવા ઉત્પાદનો બનાવતી કંપની નેસ્લે ઇન્ડિયાને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કંપનીને મૈસુર કાર્યાલય તરફથી કુલ 36,36,548 રૂપિયા જમા કરાવવાની માગણી કરતો આદેશ મળ્યો છે. આ રકમમાં 20,09,516 રૂપિયા હર્જાના અને પેનલ્ટી તરીકે સામેલ છે. આ મામલો વર્ષ 2012થી 2019 વચ્ચેના સમયગાળાનો છે.
કુલ 36.36 લાખ રૂપિયાની માગણી
કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તેને 26 નવેમ્બર 2026ના રોજ EPFOના મૈસુર કાર્યાલય તરફથી આદેશ મળ્યો હતો. ત્યારબાદ 27 નવેમ્બરે કંપનીએ આ અંગે શેરબજારને જાણ કરી હતી.
પ્રોવિડન્ટ ફંડ કોડ હેઠળ 2012થી 2019ના સમયગાળાને લગતો આદેશ
આ આદેશ કંપનીના પ્રોવિડન્ટ ફંડ કોડ હેઠળ 2012થી 2019ના સમયગાળાને લગતો છે. EPFOએ કુલ 36,36,548 રૂપિયા જમા કરાવવાની માગણી કરી છે, જેમાંથી 20,09,516 રૂપિયા પેનલ્ટી તરીકે ગણવામાં આવ્યા છે.
કઈ કલમો હેઠળ આદેશ અપાયો?
EPFOએ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓના કાયદા, 1952ની કલમ 7Q અને 14B હેઠળ આદેશ જારી કર્યો છે. કલમ 7Q હેઠળ જો કોઈ કંપની કે નોકરીદાતા કર્મચારીઓના પીએફના નાણાં સમયસર જમા કરાવતા નથી, તો બાકી રકમ પર વ્યાજ વસૂલવાની જોગવાઈ છે. જ્યારે કલમ 14B હેઠળ પીએફના નાણાં જમા કરવામાં થયેલી ચૂક અથવા વિલંબ બદલ નોકરીદાતા પાસેથી પેનલ્ટી વસૂલવાની જોગવાઈ છે.
કંપનીના કામકાજ પર મોટી અસર નહીં
નેસ્લે ઇન્ડિયાએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે EPFOના આ આદેશથી કંપનીની નાણાકીય સ્થિતિ અથવા તેના કામકાજ પર કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. જોકે, કંપની આ આદેશને પડકારશે કે માગણી મુજબની રકમ જમા કરાવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી હવે કંપની આગળ શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ
