Vadodara : કરજણ તાલુકા સેવા સદનમાં ઠેર-ઠેર પાનની પિચકારી મારી ફેલાવાતી ગંદકી

📅 Published: November 27, 2026 | 📂 Category: Baroda

કરજણ તાલુકા સેવાસદન કચેરી ખાતે રોજબરોજ વિવિધ કામકાજ અને ફરજ અર્થે આવતા કેટલાક સરકારી કર્મચારીઓ જ સ્વચ્છતાના નિયમોની ઐસીતૈસી કરી રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. કચેરીના પરિસર અને ખૂણાખાંચરે ગમે ત્યાં પિચકારીઓ મારીને ગંદકી ફેલાવી રહ્યાં હોય દીવાલો પરના સ્વચ્છતા ના સ્લોગનો શોભાના ગાંઠિયા સાબિત થયા છે. કરજણ ને.હા.48 ઉપર જૂનાબજાર વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલ તાલુકા સેવા સદનમાં નગર સહિત તાલુકાની 84 ગ્રામ પંચાયતના અરજદારો દરરોજ સવારથી જ અનેક કામકાજ અર્થે આવે છે. પરંતુ કચેરીની હાલત જોતાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કચેરીમાં સ્વચ્છતા જળવાય અને નાગરિકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તંત્ર દ્વારા દીવાલો પર સ્વચ્છતાના સૂત્રો અને સ્લોગન લગાવેલ છે. જોકે, જેમના ખભે કચેરીની શિસ્ત અને સ્વચ્છતા જાળવવા જવાબદારી છે. તેવા જ કેટલાક સરકારી કર્મચારીઓ પાન-માવા ખાઈને બારીઓમાંથી ગમે ત્યાં પિચકારીઓ મારી દીવાલો અને ખૂણાઓને ગંદા કરી રહ્યા છે. પરિસરના ઓટલાને પણ છોડાયા નથી. ચાના પીધેલ કપ, પાણીની ખાલી બોટલો પણ કચરાપેટીમાં નાખવાને બદલે ખૂણેખાંચરે નાખી દેવાય છે. કચેરીમાં રોજ 8-8 કલાક પસાર કરતાં અને સ્વચ્છતાના પાઠ ભણાવતા અધિકારીઓની બિલ્ડિંગમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે જાહેર જનતા પાસે સ્વચ્છતા બાબતે તંત્ર શેની આશા રાખે છે. તેવા સવાલો તંત્ર સામે ઉઠયાં છે. આ દ્રશ્યો જોઈને સેવાસદન ખાતે આવતા અરજદારો અને જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળે છે. નાગરિકોમાં એવી ચર્ચા જાગી છે કે જ્યારે સરકારી બાબુઓ જ સ્વચ્છતાનો ભંગ કરતા હોય અને નિયમો નેવે મૂકતા હોય ત્યારે સામાન્ય જનતા પાસે સ્વચ્છતાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય ? કચેરીના સંબંધિત ઉચ્ચ અધિકારી દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપી, કચેરી પરિસરમાં ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી અને દંડનીય પગલાં લેવા લોકમાંગ ઉઠી છે. પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકતા કે ગંદકી કરતાં પકડાશો તો રૂા. 500નો દંડ કરાશે. તેવી નોટિસ કચેરી બિલ્ડીંગની દીવાલ પર લગાવેલ હોવા છતાં કેટલાક સરકારી કર્મચારીઓ જ તેનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. જેઓવિરુદ્ધ પગલા જરૂરી બન્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *