પાટણ ખાતે ચાલી રહેલા પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં આવતા મુલાકાતીઓને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 5500 રૂપિયાની કિંમતની બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. પાટણ ખાતે યોજાયેલા પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં મોટી સંખ્યામાં ઉમટતા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે હેતુથી પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વાર રાત્રિના સમયે મેળાના પરિસરમાં કાર્યરત વિવિધ ખાદ્ય સ્ટોલ અને એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ કામગીરી દરમિયાન અધિકારીઓની ટીમ દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ આરોગ્યપ્રદ પરિસ્થિતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન કેટલાક એકમોમાં માનવ વપરાશ માટે અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જ કાર્યવાહી કરીને આશરે 7 લિટર વપરાશ માટે અયોગ્ય તેલ, આશરે 10 કિલો રંગયુક્ત મંચુરિયન અને આશરે 15 કિલો રંગયુક્ત ચટણી મળીને અંદાજે 5500 રૂપિયાની કિંમતની ખાદ્યચીજવસ્તુઓનો નાશ કર્યો હતો. મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ખાદ્યચીજવસ્તુઓના વેચાણમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું યોગ્ય પાલન જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને તપાસની કામગીરી યથાવત રાખવામાં આવી છે.
મેળામાં ₹5,500ના અખાદ્ય જથ્થાનો નાશ:પાટણના પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં તપાસ; 7 લિટર અયોગ્ય તેલ, 10 કિલો રંગયુક્ત મંચુરિયન અને 15 કિલો ચટણી ફેંકી
📅 Published: November 28, 2026 |
📂 Category: gujarati-news
