વલસાડ SOGએ પારડીના એક ફ્લેટમાંથી ₹1,17,18,800ની નશીલી અને પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. પોલીસે એક આરોપીને પકડ્યો છે અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, 28 નવેમ્બર 2026ના રોજ વલસાડ SOGના વાપી કેમ્પના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશકુમાર પાતાભાઈ હડીયા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. પારડીના કુંભારવાડ, રતનવાડીમાં સ્ટેટ બેન્કની ગલીમાં ભરતભાઈ રમણભાઈ લાડના મકાન આગળ રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પારડીના બાલાખાડી સ્થિત બીના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 304માં રહેતા નરેન્દ્રસિંઘ જબ્બરસીંગ પુરોહિત (ઉંમર 23)ને પકડ્યો હતો. તે મૂળ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના આશોત્રા ગામનો રહેવાસી છે. ફ્લેટમાંથી વેચાણ માટે રાખેલી WECAN-D COUGH SYRUPની 1,200 બોટલ, કિંમત ₹14,11,800; Alprazolam Tabletsની 14,400 ગોળીઓ, કિંમત ₹57,50,000; અને Dicyclomine Hydrochloride, Tramadol Hydrochloride Acetaminophen Capsulesની 11,280 કેપ્સ્યુલ, કિંમત ₹45,12,000 મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે ₹5,000નો મોબાઇલ ફોન અને ₹30,000ની મોટરસાઇકલ પણ જપ્ત કરી હતી. દવાઓ, ફોન અને મોટરસાઇકલની કુલ કિંમત ₹1,17,18,800 થાય છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે કિષ્પાલસીંગ જબ્બરસીંગ પુરોહિતે આ જથ્થો વેચવાના ઇરાદે ખરીદ્યો હતો. તે બીના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 304માં રહે છે અને મૂળ આશોત્રા, બાલોત્રા, રાજસ્થાનનો છે. તેણે સુરતમાં રહેતા રાજેન્દ્રકુમાર પુરોહિત પાસેથી પાસ-પરમિટ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ખરીદી હતી. પોલીસે કિષ્પાલસીંગ પુરોહિત અને રાજેન્દ્રકુમાર પુરોહિતને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પારડી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, 1985ની કલમ 8(સી), 21(સી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. SOG વલસાડે કેસ શોધી કાઢ્યા બાદ વધુ તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી છે.
પારડીના ફ્લેટમાંથી નશીલી દવાઓનો જથ્થો જપ્ત:SOGએ ₹1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો; એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ
📅 Published: November 28, 2026 |
📂 Category: gujarati-news
