ગુજરાત વહીવટી તંત્રમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ફાયર નિયામક નલિનકુમાર ચૌધરીનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના નિયામક પદેથી નલિનકુમાર ચૌધરીએ રાજીનામું આપ્યું હતું, જેને રાજ્ય સરકારે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે.
શહેરી વિકાસ વિભાગે કર્યો સત્તાવાર હુકમ
પ્રાપ્ત વિગતો અનુસાર, નલિનકુમાર ચૌધરીના રાજીનામા બાદ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે સત્તાવાર હુકમ જારી કર્યો છે.નલિનકુમાર ચૌધરીનું રાજીનામું ગત 23 નવેમ્બરથી અમલી બને તે રીતે સ્વીકારાયું છે.વહીવટી કામગીરી જળવાઈ રહે તે માટે નાયબ નિયામક અનિલકુમાર બી. ચાવડાને નિયામકનો વધારાનો હવાલો સોંપાયો છે.
રાજીનામા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ; રિવોક કરવા બાબતે પણ ચાલી રહી હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમના દ્વારા રાજીનામું રિવોક (પરત ખેંચવા) કરવા બાબતે પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અંતે સરકારે તેમનું રાજીનામું મંજૂર કરી દીધું છે. જોકે, નલિનકુમાર ચૌધરીના રાજીનામા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, જેના કારણે સચિવાલય અને ફાયર વિભાગના વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
