હિંમતનગર બાયપાસ રોડ પર શુક્રવારે સાંજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. પ્રાંતિજના વતની અને હાલ હિંમતનગરના ખેડતસિયા રોડ પર ઇન્દ્રનગરમાં રહેતા મેહુલ પ્રજાપતિ પોતાની કાર લઈને બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ મેહુલભાઈ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં રહેલો ચાલકનો મોબાઈલ ફોન પણ બળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર તાલુકામાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાની આ બીજી ઘટના નોંધાઈ છે.
હિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં આગ લાગી:ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળતા જાનહાનિ ટળી, કાર બળીને ખાખ
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
