પાટણ જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે રિજ્યોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘સમરસ વિદ્યા સેતુ યોજના’ અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 14,692 ડ્રોપઆઉટ બાળકોમાંથી 12,878 બાળકોને પુનઃ શાળા પ્રવેશ અપાવવાની સિદ્ધિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ શાળાઓનું સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે માહિતી આપી હતી કે, જિલ્લામાં ડ્રોપઆઉટ થયેલા 14,692 બાળકો પૈકી 12,878 બાળકોને પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2026-27 સુધીમાં પાટણ જિલ્લામાં 442 નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવશે અને બાકી રહેલા બાળકોને પણ શાળા પ્રવેશ અપાવવાની કામગીરી ચાલુ રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે દરેક બાળકને શાળા સુધી પહોંચાડવા અને શિક્ષકોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ‘સમરસ વિદ્યા સેતુ યોજના’ હેઠળ પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક સાધન-સામગ્રી તરીકે ચોપડા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પુનઃ શાળા પ્રવેશ અપાવવામાં તાલુકા કક્ષાએ નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓ, આચાર્યો અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો કરવા બદલ 4 અને 5 સ્ટાર રેન્ક ધરાવતી સાત શાળાઓને ‘સક્ષમ શાળા એવોર્ડ’ એનાયત કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ અને શાળાઓમાં બાળકો માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં 12,878 ડ્રોપઆઉટ બાળકોને શાળા પ્રવેશ અપાયો:સમરસ વિદ્યા સેતુ યોજના હેઠળ કાર્યક્રમમાં એવોર્ડ-કીટ વિતરણ
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
