વલસાડમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવાયો:મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી આઝાદ ચોક સુધી કેન્ડલ માર્ચ

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દિવસ ભારત વિભાજન સમયે અસંખ્ય પરિવારોએ સહન કરેલી અસહ્ય વેદના, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે. કાર્યક્રમની થીમ ‘વિભાજનની વેદનાને સ્મરીએ, બલિદાનને નમન કરીએ’ રાખવામાં આવી હતી. આયોજનનો મુખ્ય હેતુ વિભાજનનો ભોગ બનેલા લાખો નાગરિકોના ધૈર્ય અને સમર્પણને શ્રદ્ધાંજલિ આપવાનો હતો. ઉપરાંત, નવી પેઢીને ઇતિહાસની આ કરૂણ ઘટનાથી માહિતગાર કરી દેશમાં શાંતિ, એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના માહોલ વચ્ચે પૂર્ણ સ્વરૂપમાં ‘વંદે માતરમ’નું સામૂહિક ગાન કરાયું હતું. તે સિવાય વિભાજનના કરૂણ ઇતિહાસ પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટરી અને ‘વિભાજન: એક આતંક’ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી નાટક પણ રજૂ કરવામાં આવ્યું. સાંજે ૭:૩૧ કલાકે મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતેથી મૌન કેન્ડલ માર્ચ શરૂ થઈ હતી. આ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આઝાદ ચોક ખાતે સમાપ્ત થઈ. આ પ્રસંગે વલસાડ કલેક્ટર નીતિન સાંગવાન, પ્રાંત અધિકારી વિમલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *