કાંકરિયા દીવાન-બલ્લુભાઈ શાળામાં તિરંગા યાત્રા યોજાઈ:સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રામાં બાળવર્ગના બાળકોએ કેસરી રંગના, શિશુવર્ગના બાળકોએ સફેદ રંગના તથા નર્સરીના બાળકોએ લીલા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. આ ઉપરાંત, અનેક વિદ્યાર્થીઓ મહાન ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓ, સૈનિકો અને પોલીસકર્મીઓની વેશભૂષામાં સજ્જ થઈને યાત્રામાં જોડાયા હતા. સમગ્ર ગુરુદક્ષિણા ભવનના પ્રાંગણને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ તથા પ્રાથમિક વિભાગનાં કો-ઓર્ડિનેટર તેજલબેન ડણાકની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ નારા અને દેશભક્તિના ગીતોની ગુંજ સાથે સમગ્ર શાળા પ્રાંગણમાં તિરંગા યાત્રા યોજી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ પટેલે કર્યું હતું. તિરંગા યાત્રાના આયોજન બદલ કો-ઓર્ડિનેટર પીનલબેન રાવળે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *