વલસાડના કાશ્મીર નગરમાં બેકરીમાં આગ:900 કિલો નાનખટાઈ-બિસ્કિટ બળીને નુકસાન, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરના કાશ્મીર નગર વિસ્તારમાં આવેલી ‘સંગમ બેકરી’માં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 900 કિલો નાનખટાઈ અને બિસ્કિટ સહિતનો તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેથી બેકરી સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સદનસીબે, બેકરી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. માહિતી મુજબ, રાત્રિના આશરે 10:20 વાગ્યે બંધ બેકરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોનું ધ્યાન ગયું હતું. આજુબાજુના રહીશોએ તુરંત જ બેકરી સંચાલક અફઝલ ખાન અને વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. બેકરી સંચાલક અફઝલ ખાને જણાવ્યું હતું કે, તેઓ રાત્રે આશરે 8:30 વાગ્યે બેકરી બંધ કરીને ઘરે ગયા હતા. પૂરના કારણે નીચેનો માલ ઉપર ભઠ્ઠી પાસે ચડાવીને મુકવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે વાયરિંગમાં આગ લાગી હોવાનું જણાય છે. ગીચ રહેણાંક વિસ્તારમાં આવેલી બેકરીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા ફાયર સેફ્ટી અને સુરક્ષા ચેકિંગ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આગ સમયે બેકરીમાં કોઈ કારીગર હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *