ડોલવણ કોલેજમાં નશામુક્ત ભારત કાર્યક્રમ:વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ સત્રોનું આયોજન કરાયું

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

ડોલવણની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે આચાર્ય ડૉ. રાકેશભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોલેજમાં નિબંધ, વક્તૃત્વ, ચિત્ર અને દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી. આશરે 65 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના અધ્યાપકોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી, જ્યારે પ્રા. વંદના કૉંકણી અને પ્રા. સેજલ ગામીતે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના બીજા સેશનમાં ગુજરાત યોગ બોર્ડ અને ડોલવણ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત ભારત’ અને યોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યશ્રીએ વક્તાશ્રીઓનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. મુખ્ય વક્તા અને સેનેટરી ઇન્સ્પેક્ટર તથા કોઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ ગામીતે ઉપસ્થિત સૌને સ્વાસ્થ્ય વિષયક મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. તાપી જિલ્લા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર શ્રી જ્યોતિ મહાલે વિદ્યાર્થીઓને નશાયુક્ત પદાર્થોથી દૂર રહી યોગ દ્વારા સ્વસ્થ અને સુખી જીવન જીવવા પ્રેરણા આપી હતી. આ સાથે જ યોગ શિક્ષક માટેની નિઃશુલ્ક તાલીમ વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં 90 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના તમામ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *