મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં એક દુર્લભ અને ગંભીર ગણાતા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ‘ગુલિયન બરે સિન્ડ્રોમ’ (Guillain-Barré Syndrome – GBS)ના કારણે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લુણાવાડાની આદર્શ શાળામાં અભ્યાસ કરતા 5થી વધુ બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. જયશ્રી નગર સોસાયટીના ત્રણ બાળકો પણ તેની ઝપેટમાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલાં આ જ લક્ષણો ધરાવતા એક વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજતાં વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભય તથા ચિંતાનો માહોલ સર્જાયો છે.
અઠવાડિયાથી બાળકોમાં આ રોગના લક્ષણો
છેલ્લા એક અઠવાડિયાથી બાળકોમાં આ રોગના લક્ષણો દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક તબક્કે આરોગ્ય તંત્રની સુસ્તી સામે આવ્યા બાદ, સ્થિતિની ગંભીરતા સમજાતાં હવે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
એક ઈંજેક્શનની કિંમત 22,000 થી 42,000 રુપિયા
આદર્શ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતા કેયૂર પટેલે પોતાની આપવીતી શેર કરતા જણાવ્યું હતું કે, GBS રોગના કારણે તેમના બાળકની બોલવાની ક્ષમતા પણ છીનવાઈ ગઈ હતી. જોકે, સદનસીબે સમયસર યોગ્ય તબીબી સારવાર મળી જતાં બાળકની સ્થિતિમાં સુધારો થયો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે. GBSની સારવારમાં વપરાતું એક ઈંજેક્શન 22,000 થી લઈને 42,000 રુપિયા સુધીની ભારે કિંમતમાં મળે છે, જે સામાન્ય પરિવારો માટે આર્થિક રીતે મોટો બોજ બની જાય છે.
ગુલિયન બરે સિન્ડ્રોમ (GBS) શું છે?
ગુલિયન બરે સિન્ડ્રોમ એ માનવ શરીરના ચેતાતંત્ર (Nervous System) પર અસર કરતો એક દુર્લભ રોગ છે: આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. આ હુમલાના કારણે ચેતાતંત્રને નુકસાન પહોંચે છે અને મગજમાંથી શરીરના અન્ય ભાગો સુધી સંદેશા પહોંચાડતી નસો અત્યંત નબળી પડી જાય છે.
GBS ના મુખ્ય લક્ષણો
આ રોગમાં હાથ અને પગની આંગળીઓમાં ખાલી ચડવી કે સતત ઝણઝણાટી અનુભવાય છે . હાથ-પગના સ્નાયુઓમાં ભારે અશક્તિ અને નબળાઈ આવી જાય છે અને ચાલવામાં, ઊભા થવામાં કે બેસવામાં અસમર્થતા કે મુશ્કેલી થાય છે ગળાના સ્નાયુઓ નબળા પડતાં અન્ન કે પાણી ગળવામાં તકલીફ થવી અને બોલવાની ક્ષમતા પ્રભાવિત થવી તથા રોગ વધતાં લકવાજેવી સ્થિતિ સર્જાવી અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવી.
ગુલિયન બરે સિન્ડ્રોમ (GBS) ની સારવાર અને તેના અટકાયતી ઉપાયો
ગુલિયન બરે સિન્ડ્રોમ (GBS) એ એક દુર્લભ પણ ગંભીર ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં સારવારનો મુખ્ય આધાર ઇમ્યુનોથેરાપી છે. જેમાં મુખ્યત્વે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે: પ્રથમ, પ્લાઝ્મા એક્સચેન્જ જેમાં દર્દીના રક્તમાંથી અસામાન્ય એન્ટિબોડીઝને અલગ કરીને દૂર કરવામાં આવે છે; અને દ્વિતીય, ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી), જેમાં ઉચ્ચ ડોઝના હેલ્ધી એન્ટિબોડીઝના ઈંજેક્શન આપીને રોગપ્રતિકારક તંત્રના હુમલાને ઘટાડવામાં આવે છે. આ ઉપરાંત, દર્દીના સ્નાયુઓની તાકાત પાછી લાવવા અને લકવા જેવા લક્ષણોમાંથી બહાર આવવા માટે નિયમિત ફિઝિયોથેરાપી આપવી ખૂબ જ જરૂરી છે. ગંભીર કિસ્સાઓમાં જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો દર્દીને આઈસીયુ અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર આપવામાં આવે છે.
કોઈ સીધી રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી
GBS ના ચોક્કસ અટકાયત માટે કોઈ સીધી રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી, કારણ કે આ એક ઓટોઇમ્યુન વિકાર છે; પરંતુ તેનાથી બચવા અને સ્થિતિ વણસતી અટકાવવા માટે કેટલીક ખાસ તકેદારી રાખવી જરૂરી છે. સામાન્ય રીતે GBS ના લક્ષણો કોઈ પણ પાચન કે શ્વાસના ચેપ (ઇન્ફેક્શન) પછી જોવા મળતા હોય છે, તેથી વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, ઉકાળેલું ચોખ્ખું પાણી પીવું અને તાજો ખોરાક લેવો ખૂબ જ અગત્યનો છે. જો હાથ કે પગની આંગળીઓમાં સતત ખાલી ચડવી, ઝણઝણાટી થવી, અતિશય નબળાઈ લાગવી કે ચાલવામાં મુશ્કેલી પડવી જેવા લક્ષણો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ ન્યુરોલોજીસ્ટ કે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. સમયસર નિદાન અને વહેલી સારવાર શરૂ કરવાથી આ રોગના ગંભીર જોખમોથી બચી શકાય છે.
તંત્ર હરકતમાં: સર્વેક્ષણ, ફોગિંગ અને તપાસ ધમધમાટ
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર પોતે મેદાનમાં ઉતર્યા છે. તેમણે આરોગ્ય, પંચાયત, મહેસૂલ, ફૂડ સેફ્ટી અને શિક્ષણ વિભાગની સંયુક્ત ટીમો બનાવીને સઘન કામગીરીના આદેશ આપ્યા છે. કલેક્ટરે આદર્શ વિજ્ઞાન શાળા, વાઇબ્રન્ટ વેવ્સ એકેડેમી, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ, વેદાંત કોલેજ, બ્રાઇટ વિદ્યા સંકુલ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ પીવાના પાણી, ભોજન અને સ્વચ્છતાની બારીકાઈથી તપાસ કરી હતી અને નગરપાલિકા વિસ્તારની 24 શાળાઓના 13,106 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોના 415 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. પીવાના પાણીના 7 મહત્વપૂર્ણ સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. સાથે જ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા નગરપાલિકા દ્વારા શાળાઓ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરાઈ છે.
