Surat News : હર્ષ પંડ્યા કેસમાં પિતાનો પોલીસ પર સવાલ, ‘હલકી કલમો લગાવી રેગિંગને છાવરવામાં આવી રહ્યું છે’

📅 Published: August 15, 2026 | 📂 Category: Surat

સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક સામે આવ્યો છે. હર્ષ પંડ્યાના પિતા ડો. સુભાષ પંડ્યા પોતે ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર તપાસ પ્રક્રિયા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, પોલીસે માત્ર હલકી કલમો હેઠળ જ ગુનો નોંધ્યો છે અને મુખ્ય દોષિતો સામે કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી. આ ઉપરાંત, તેમણે એન્ટી રેગિંગ કમિટીની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે કમિટી પણ જવાબદારોને છાવરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ઘટનાના બે દિવસ પહેલા HODને કરાઈ હતી લેખિત ફરિયાદ

ડો. સુભાષ પંડ્યાએ મીડિયા અને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેમના પુત્ર હર્ષે આપઘાત કર્યાના માંડ બે દિવસ પહેલા જ વિભાગના HODને રેગિંગ અંગેની લેખિત ફરિયાદ સોંપી હતી. આમ છતાં, કમિટીએ પોતાના અહેવાલમાં માત્ર અન્ય નવ વિદ્યાર્થીઓ સાથે જ રેગિંગ થયાનું દર્શાવ્યું છે અને હર્ષના કિસ્સાને રેગિંગમાં ગણ્યો જ નથી. પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ મામલે બિનજામીનપાત્ર ગુનો દાખલ થવો જોઈતો હતો, પરંતુ સિસ્ટમે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી.

‘આ હત્યા છે કે આત્મહત્યા તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ’

સ્વર્ગસ્થ હર્ષના પિતાએ સવાલ ઉઠાવ્યો છે કે આ ઘટના માત્ર આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે કે આત્મહત્યા તેની યોગ્ય દિશામાં તપાસ થવી જોઈએ. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મેં તો મારો પુત્ર ગુમાવી દીધો છે, પરંતુ ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર પોતાનો ‘હર્ષ’ ન ગુમાવે તે માટે યોગ્ય કડક પગલાં જરૂરી છે.” તેમણે ચીમકી આપી હતી કે છેલ્લાં સાત વર્ષમાં આવી 7 આત્મહત્યાની ગંભીર ઘટનાઓ બની ચૂકી હોવા છતાં તંત્ર અને કોલેજ પ્રશાસન દ્વારા આ વિષયને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચો : Surat અને ડીસામાં આરોગ્ય વિભાગના ધડાધડ દરોડા: 35 લાખનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *