Surat: ચોક ચાર રસ્તા પાસેથી 17,500 ની નકલી નોટો અને લેપટોપ સાથે કલ્પેશ રાઠોડ ગિરફ્તાર

📅 Published: August 15, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં નકલી ચલણી નોટો વટાવવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાની બાતમીના આધારે લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.જે. સોલંકી તથા સર્વેલન્સ પીએસઆઈ એસ.એ. અંસારીની ટીમે ચોક ચાર રસ્તા વિસ્તારમાં ખાસ રેડ કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા 40 વર્ષીય કલ્પેશ મુળજીભાઈ રાઠોડને અટકાયતમાં લીધો હતો.

નકલી ચલણી નોટો સાથે એક ઝડપાયો

પોલીસે આરોપીની ઝડતી લેતાં તેની પાસેથી 500ના દરની ૩૫ નકલી નોટો મળી આવી હતી. જેની કુલ કિંમત 17,500 થાય છે. આ ઉપરાંત નકલી નોટોનું કૌભાંડ ચલાવવા અને છાપવા/ડિઝાઇન કરવાના શંકાસ્પદ ઉપયોગમાં લેવાયેલા ૨ લેપટોપ અને ૩ સ્માર્ટફોન મળીને કુલ 3.38 લાખનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપી કલ્પેશ રાઠોડની આકરી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બનાવટી નોટો તેને તેની પૂર્વ પત્ની હિનાબેન મોહનભાઈ વાઢેળ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

પોલીસ તપાસ અને કાર્યવાહી

ભારતીય ચલણના સ્થાને નકલી નોટો બજારમાં ઘુસાડી દેશના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવાનું પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. લાલગેટ પોલીસે હિનાબેન મોહનભાઈ વાઢેળને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ નકલી નોટો ક્યાં પ્રિન્ટ થતી હતી અને બજારમાં ક્યાં ક્યાં વટાવાઈ છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Jambusar: ખુલ્લી વરસાદી ગટરમાં વધુ એક કાર ખાબકી, 6 દિવસમાં 5મો કિસ્સો બનતાં લોકોમાં ભારે રોષ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *