13 જુલાઈના રોજ સુરતમાં આરોપીઓને જાહેરમાં લાકડીઓથી માર મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે કડક વલણ આપનાવ્યું હતું. કોર્ટની લપડાક બાદ પોલીસ અધિકારીને વ્હાલા થવા અને તેમના સમર્થનમાં ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ ફેસબુક પર હાઈકોર્ટના જજ વિરૂદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી છે. ન્યાય તંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતી આ પોસ્ટમાં ભાજપ નેતાએ જજ સામે સીધું નિશાન સાધીને લખ્યું કે,’એક વાર તે ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે. જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે.’ ઉલ્લેખનીય છે કે, સુરતના ભાજપ નેતાની આ પોસ્ટથી સમગ્ર રાજ્યના રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ‘જજને જેહાદીઓને માર્યા તેમાં બળતરા આવી છે’: મુકેશ ગુજરાતીની FB પોસ્ટ
ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર 14 ઓગસ્ટ, 2026ના રાત્રે 9:30 વાગ્યા આસપાસ બે પોસ્ટ કરી હતી. જેમાં એકમાં લખ્યું કે, ‘જજને જેહાદીઓને માર્યા તેમાં બળતરા આવી છે. સિમી ગેંગના આતંકના વીડિયો બાડાએ નહીં જોયા હોય? એક વાર તે ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે. બીજી પોસ્ટમાં લખ્યું કે, ‘DCP નકુમ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઈમ વધારવા માંગે છે? જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે. જનતા શું ઇચ્છે છે તે ખબર પડી જશે’. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ થયા બાદ ભાજપ નેતાનો ખુલાસો
આ સમગ્ર મામલે મુકેશ ગુજરાતીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આતંકવાદી વીડિયો અને IPS કામગીરી પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, સીમી (SIMI)કેસના વીડિયો નથી જોયા હોય એમ લાગે છે અને જો IPS અધિકારી સારી કામગીરી કરી રહ્યા હોય તો આવું શા માટે થાય છે, વધુમાં બચાવ કરતાં સ્પષ્ટતા કરી હતી કે, આ લખાણ તેમણે પોતાના એક અંગત મિત્ર માટે લખ્યું હતું જેમને તેઓ ‘જજ’ તરીકે સંબોધે છે. શું છે સમગ્ર મામલો?
13 જુલાઈના રોજ સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી DCP રાજદીપસિંહ નકુમે વાળ પકડી દંડા ફટકાર્યા હતા. આ વીડિયો વાઇરલ થયા બાદ હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવી ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. આ પત્ર અને સમાચારના અહેવાલોના આધારે હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી અને પોલીસ તંત્ર સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. DCP નકુમની તાત્કાલિક બદલી કરવા કોર્ટનો આદેશ
14 ઓગસ્ટની સુનાવણીમાં કડક વલણ અપનાવતાં હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી નકુમ એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ. કોર્ટની આ ટકોર બાદ સરકારી વકીલે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) નેતા સામે પક્ષ શિસ્તભંગના પગલાં લેશે કે કેમ?
અગાઉ ગેરકાયદેસર નાસીરનગર ડિમોલિશનના પક્ષમાં પણ પોસ્ટ કરી ચૂકેલા ભાજપ નેતાએ હવે હાઈકોર્ટ અને ન્યાયાધીશ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. એક તરફ હાઈકોર્ટે પોલીસની દાદાગીરી સામે લાલ આંખ કરી છે, ત્યારે ભાજપ નેતા દ્વારા પોતાના પદનો દુરૂપયોગ કરી કાયદાના રક્ષકો સામે ગેરવાજબી નિવેદનબાજી કરવામાં આવી રહી છે. હવે સૌની નજર ભાજપ પ્રદેશ સંગઠન પર છે કે ન્યાયતંત્રનું અપમાન કરનારા પોતાના આ નેતા સામે પક્ષ કોઈ આકરા પગલાં લેશે કે કેમ? વિવાદ થતા જ મુકેશ ગુજરાતીએ પોતાના ફેસબુક પરથી પોસ્ટ દૂર કરી દીધી હતી.
'ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે':DCPને વ્હાલા થવા ભાજપ નેતાએ જજ પર નિશાન સાધ્યું, FB પર લખ્યું- 'વહીવટનો કીડો હોય તો ચૂંટણીમાં આવે'
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
