સ્વતંત્રતા પર્વે સન્માન નહીં, 'સિયાસત' થઈ?:પૂર રાહત કામગીરી બદલ ભાજપ નેતા સન્માનિત થવાના હતા, કલેક્ટરે આમંત્રણ આપ્યું પણ અદ્રશ્ય હાથોએ લિસ્ટમાંથી નામ હટાવી દીધું

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાડીપૂર દરમિયાન ઉત્કૃષ્ટ બચાવ અને રાહત કામગીરી કરનારાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. આ કાર્યક્રમમાં શાસક પક્ષ ભાજપ સાથે સંકળાયેલા એક સક્રિય સ્થાનિક નેતા સમ્રાટ પાટીલ અને તેમના ટ્રસ્ટને ફૂડ પેકેટ્સ, રાશન કીટ વિતરણ તથા આર્થિક સહાય જેવી સેવાકીય કામગીરી બદલ વિશેષ સન્માન આપવાનું નક્કી કરાયું હતું. સત્તાવાર આમંત્રણ મળ્યા બાદ તેઓ સમયસર કાર્યક્રમ સ્થળે પહોંચ્યા પણ હતા, પરંતુ જ્યારે સન્માનની જાહેરાત થઈ ત્યારે રહસ્યમય રીતે તેમનું નામ લિસ્ટમાંથી ગાયબ હતું. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપના જ આંતરિક જૂથવાદના કારણે જાણીજોઈને છેલ્લી ઘડીએ તેમનું નામ કાપી નાખવામાં આવ્યું છે. 5 પૈકી 4 NGOનું સન્માન, ભાજપ નેતા સ્ટેજ પર રાહ જોતા રહ્યા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર કુલ પાંચ એનજીઓની પસંદગી સન્માન માટે કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાંચમાંથી ચાર સંસ્થાઓને સ્ટેજ પર બોલાવી વિધિવત સન્માનિત કરવામાં આવી હતી. જોકે, ભાજપના અગ્રણી નેતા સાથે સંકળાયેલા ‘સાંઈ લીલા ગ્રુપ’નું નામ લિસ્ટમાં હોવા છતાં તેનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નહોતું. કલેક્ટર કચેરી દ્વારા અગાઉથી જાણ કરાઈ હોવા છતાં છેલ્લી ક્ષણે નામ રદ થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સમ્રાટ પાટીલે ખાડી પુર દરમ્યાન 15 હાજર રાશનની કીટ જરૂરિયાતવાળા લોકો ને આપી હતી. નેતાએ વ્યક્ત કરી નારાજગી
આ સમગ્ર મામલે ભોગ બનેલા નેતા સમ્રાટ પાટીલે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓને વહીવટી તંત્ર તરફથી વિધિવત આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેના આધારે જ તેઓ વહેલી સવારે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે ભારે વરસાદ અને ખાડીપૂરમાં હજારો ફૂડ પેકેટ અને કીટો વહેંચી સેવા આપી હતી. તેમ છતાં છેલ્લી ઘડીએ નામ કાપી નાખવામાં આવતા લાગે છે કે જાણીજોઈને તેમની અવગણના કરવામાં આવી હોઈ શકે છે. આગામી ચૂંટણી અને લીંબાયત બેઠકની ટિકિટની દાવેદારીનું રાજકારણ
આ વિવાદ પાછળ આગામી વિધાનસભા ચૂંટણી અને લીંબાયત વિધાનસભા બેઠકની જૂથબંધી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. લીંબાયતમાં મજબૂત પકડ ધરાવતા આ નેતાના સમર્થકો તેમને આગામી ચૂંટણીમાં પ્રબળ દાવેદાર માની રહ્યા છે. પૂર સમયે ભાજપના પ્રચાર સાથે તેમણે કરેલી જંગી રાહત કામગીરીથી તેમની લોકપ્રિયતા વધી હતી. જેને પગલે પક્ષના જ આંતરિક વિરોધી જૂથે તેમનું કદ વધતું રોકવા સરકારી મંચ પરથી જાણીજોઈને તેમનું પત્તુ કાપ્યું હોવાની ભારે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *