સોમનાથમાં આખલા યુદ્ધથી અફરાતફરી:હમીરજી સર્કલ પર 10 મિનિટ દોડધામ; યાત્રિકોમાં ભાગદોડ, જાનહાનિ ટળી

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

યાત્રાધામ સોમનાથના હમીરજી સર્કલ પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આશરે દસ મિનિટ સુધી ચાલેલા આ ઘટનાક્રમમાં યાત્રિકો અને વાહનચાલકોમાં ભાગદોડ સર્જાઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હમીરજી સર્કલ નજીક બે આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. આખલાઓ એકબીજાને શિંગડે મારતા રસ્તા પર બેફામ દોડતા હોવાથી આસપાસ ઉભેલા લોકો અને દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક સર્જાયેલી આ સ્થિતિથી ગભરાયેલા યાત્રિકો અને સ્થાનિકો સુરક્ષિત સ્થળે જવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા. આખલાઓના યુદ્ધને કારણે માર્ગ પર વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. લોકો દૂર ખસી જતાં અને વાહનો અટકી જતાં હમીરજી સર્કલ વિસ્તારમાં અવ્યવસ્થા જોવા મળી હતી. આ ઘટનાએ યાત્રાધામ સોમનાથમાં રખડતા પશુઓની સમસ્યા અને તેની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર રહેતી હોવાથી જાહેર માર્ગો પર રખડતા પશુઓની હાજરી જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને આખલાઓનું યુદ્ધ ક્યારેય પણ ગંભીર અકસ્માતમાં પરિણમી શકે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સોમનાથ ઉપરાંત વેરાવળ શહેરમાં પણ રખડતા પશુઓની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે પશુઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી, જેના કારણે રસ્તાઓ પર ફરીથી રખડતા પશુઓનો જમાવડો જોવા મળે છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમનાથના મુખ્ય માર્ગો અને યાત્રિકોની અવરજવરવાળા વિસ્તારોમાંથી રખડતા પશુઓને દૂર કરવા નિયમિત અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાલિકા તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંકલિત રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ લોકમાંગ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *