સોમનાથ મહાદેવને ગલગોટા, સફેદ સેવંતી, લીલા આસોપાલવથી ત્રિરંગા શૃંગાર કરાયો:સ્વાતંત્ર્ય પર્વે 251કિલો પુષ્પોથી શિવભક્તિ સાથે દેશભક્તિનો સંગમ, વિશેષ ‘અન્નકૂટ મહાભોગ’ ઘરાયો

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

સોમનાથમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજની થીમ પર ભવ્ય ‘ત્રિરંગા શૃંગાર’ કરવામાં આવ્યો હતો. આ શૃંગારે ભક્તોમાં દેશભક્તિ અને શિવભક્તિની ભાવના પ્રબળ બનાવી હતી. મંદિરના પૂજારીગણ દ્વારા મહાદેવને કેસરી ગલગોટા, સફેદ સેવંતી, લીલા આસોપાલવ અને પવિત્ર બિલ્વપત્રથી શણગારવામાં આવ્યા હતા. ત્રિરંગાના રંગોમાં સજાવેલું મહાદેવનું દિવ્ય સ્વરૂપ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વિશેષ પુષ્પ શૃંગારમાં કુલ ૨૫૧ કિલો પુષ્પો અને પવિત્ર પત્રોનો ઉપયોગ થયો હતો. કેસરિયા, સફેદ અને લીલા રંગના પુષ્પોથી કરાયેલા શૃંગારમાં રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. પુષ્પ શૃંગારની સાથે સ્વાતંત્ર્ય પર્વના આ પાવન દિવસે સોમનાથ મહાદેવને વિશેષ ‘અન્નકૂટ મહાભોગ’ પણ અર્પણ કરાયો હતો. વિવિધ વાનગીઓથી સજાવેલા આ મહાભોગ દ્વારા દેશની સુખાકારી, સમૃદ્ધિ અને જનકલ્યાણની કામના કરવામાં આવી. સોમનાથ મંદિર પરિસરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધાર્મિક ભાવના સાથે રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો. મહાદેવના ત્રિરંગા શૃંગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. સ્વાતંત્ર્ય દિનના અવસરે મહાદેવનો ત્રિરંગા શૃંગાર અને અન્નકૂટ મહાભોગ ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યા. દેશભક્તિ અને શિવભક્તિના આ અનોખા સંગમે સોમનાથ ધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીને યાદગાર બનાવી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *