SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી:વર્ષમાં 123 તોલા સોનું છોડાવ્યું, ઘરેણા મળતાં ભાવુક યુવતીએ કહ્યું- સાહેબ, રક્ષાબંધને રાખડી બાંધવા આવી શકું?

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

વ્યાજખોર, ખનન અને દારૂ માફિયાઓથી ત્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષ પહેલાં IPS પ્રેમસુખ ડેલુએ SP તરીકે ચાર્જ સંભાળ્યો. ત્યારે જિલ્લાના માફિયાઓને ખબર નહોતી કે આ વખતે એક જાંબાઝ પોલીસ અધિકારી આવ્યા છે. આદતથી મજબૂર માફિયાઓ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા તો બીજી તરફ IPS અધિકારી માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી કરી રહ્યા હતા. બસ પછી શું SP ડેલુનો હથોડો એવો ચાલ્યો કે વ્યાજખોરોને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા. એક વર્ષમાં જ ફરિયાદીઓને સવા આઠ કરોડથી વધુની મિલકત પાછી અપાવી દીધી. જેમાં 123 તોલા તો માત્ર સોનું જ હતું. ફ્લેટ-મકાનના એડવાન્સ, ધંધાના લેણા, જમીન, વાહનો, શેર સર્ટિફિકેટ્સ સહિતની અનેક મિલકતો વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવી. SP ઓફિસમાં જ્યારે વર્ષોથી ત્રસ્ત ફરિયાદીને પોતાની મહેનતના અને બીજાએ પચાવી પાડેલા દાગીના, મિલકત કે પૈસા પરત મળે ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુની સાથે ખાખીની ખુમારી માટે માન-સન્માન પણ જોવા મળતું હતું. જેમાં એક મહિલાને તો 35 તોલા સોનાના દાગીના પરત મળતા તે એટલી ભાવુક થઈ ગઈ કે તેણે તો SPને પૂછી લીધું કે સાહેબ આ રક્ષાબંધને રાખડી બાંધવા આવી શકું? તો સામે જેના ડરથી ગુનેગારો ધ્રુજે એવા SPએ ‘પ્રેમ’થી કહ્યું કે ચોક્કસ આવજો. દિવ્ય ભાસ્કરે પણ IPS પ્રેમસુખ ડેલુ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમનેે પૂછ્યું કે રાજસ્થાનમાં તમારું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યુ છે, શું તમારા આ અભિયાનની અસર તમારા સંઘર્ષના કારણે છે. સાથે જ પોલીસ સ્ટાફના સહયોગ અને પરિવારના સપોર્ટ વિશે પણ પૂછતા તેમણે ખુલીને વાત કરી. તો આવો શરૂઆત કરીએ 3 એવા કિસ્સાથી કે જે પ્રેમસુખ ડેલુનું વ્યાજખોરો સામેનું અભિયાન કેમ ખાસ છે તેની સાક્ષી પૂરે છે. કિસ્સો-1 4.5 કરોડના 14 વાહનો પરત અપાવતા 70 વર્ષના વૃદ્ધ પગે પડી ગયા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામના રહેવાસી કાનાભાઈ માસાભાઈ તરકેટા અને સામાવાળાઓ વચ્ચે ભાગીદારીમાં વ્યવહાર ચાલતો હતો. આ દરમિયાન સામાવાળાઓએ અરજદારના નામે કુલ 15 વાહનો ખરીદ્યા હતા. જેમાં 13 ડમ્પર, 1 હિટાચી અને 1 ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે. તમામ વાહનોની અંદાજિત કિંમત આશરે રૂ. 5 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સામાવાળાઓએ અરજદારની જાણ બહાર આ તમામ વાહનો ત્રીજી વ્યક્તિ પાસે ગીરવે અથવા અન્ય રીતે મૂકી દીધા હતા. સાથે જ વાહનોની લોનના હપ્તા પણ ભરવામાં આવતા ન હતા. આ ઉપરાંત વાહનો અરજદારને પરત સોંપવામાં આવતા ન હોવાથી અરજદારે સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મૂળી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રૂ. 4.5 કરોડની કિંમતના 14 વાહનો અરજદારને પરત અપાવવામાં આવ્યા હતા. એ 70 વર્ષના વૃદ્ધ અમારા પગે પડી ગયા હતા, અમારી ઉંમર કરતા લગભગ ડબલ ઉંમરના વ્યક્તિ આ કરે તો સમજવુ જોઈએ કે, એ કેટલા તકલીફમાં હશે. કિસ્સો-2 35 તોલા સોનું પરત અપાવતા બહેન રડી પડી, કહ્યું- રાખડી બાંધવા આવી શકું?
સુરેન્દ્રનગરના અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે, તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા 3 લાખ રૂપિયાના બદલામાં 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો વધુ 20 લાખની માંગણી કરી રહ્યા હતા અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું પરત આપતા નહોતા. જ્યારે પોલીસે કડક કાર્યવાહી કરી વ્યાજખોરો પાસેથી દાગીના ભરેલી થેલી લઈને મહિલાના હાથમાં મૂકી, ત્યારે તે મહિલા પોતાના આંસુ રોકી શકી નહીં. દાગીનાને માથે લગાડી, ધ્રુસકે ને ધ્રુસકે રડતાં તે બોલી ઉઠી, સાહેબ, 10 તારીખે મારા ભાઈના લગ્ન છે. અમને બહુ બીક લાગતી હતી. છેલ્લા 3 વર્ષથી અમે નરક જેવું જીવન જીવતા હતા. આટલું બોલતા જ તેની આંખોમાં હરખના આંસુ હતા. ભાવુક થયેલી બહેને જ્યારે મને પૂછ્યું, સાહેબ, હું તમને રક્ષાબંધન પર રાખડી બાંધવા આવી શકું? ત્યારે મેં પણ અત્યંત વિનમ્રતાથી ‘ચોક્કસ આવજો’ કહી ભાઈ તરીકેની ફરજ અને ખાખીની ગરિમા બંને જાળવી હતી. મહિલાએ બાદમાં દાગીનાના મીઠડાં લઇ હર્ષના આંસુ સાથે વિદાય લીધી હતી. કિસ્સો-3 હું આ 95,000થી મારી કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર કરાવીશ
એક ઉંમરલાયક દાદા હતા, એમની પત્નીને કેન્સર થઈ ગયું હતું અને પત્નીએ એક કેટરિંગવાળાના ત્યાં કામ કર્યું હતું. એ છેલ્લા પાંચ વર્ષથી એમના રૂ. 95,000 કેટરિંગ કામના આપતો નહોતો. દાદા અને એમની કેન્સરગ્રસ્ત પત્ની અમારી પાસે આવ્યા, અને ખુબ રડ્યા. બે દિવસ પછી અમે કેટરિંગવાળા પાસેથી એમના રૂ. 95,000 પરત અપાવ્યા, ત્યારે દાદાએ એ રૂ. 95,000 અમારા પગમાં મૂકી દીધા, પછી અમે પાછા આપ્યા ત્યારે એ ચોંધાર આંસુએ રડીને બોલ્યા કે, હું આ 95,000થી મારી કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર કરાવીશ. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે પ્રેમસુખ ડેલુને પૂછ્યુ કે આવું અભિયાન શરૂ કરવાનો વિચાર કેમ અને ક્યારે આવ્યો?
SPએ કહ્યું કે આજથી અંદાજે એક વર્ષ પહેલા મેં સુરેન્દ્રનગર એસપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની સૌથી મોટી સમસ્યા હતી. જેમાં ઘણા બધા લોકો ફસાયેલા હતા તો કેટલાકે પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું હતું. બીજી મોટી સમસ્યા હતી ખનન માફિયાઓની, ત્રીજી સમસ્યા હતી દારૂના માફિયાઓની. અમે એક-એક કરીને તમામ સમસ્યાઓને આઈન્ડેટીફાય કરીને સમાંતર રૂપથી આ તમામ વસ્તુઓ પર કામ કરવાનું શરુ કર્યું, જેમાં વ્યાજખોરોના ત્રાસ અંગે અમે અલગ અલગ પોલીસ સ્ટેશને જઈ ડીવાયએસપી, એએસપીની આગેવાનીમાં અરજી મેળાનું આયોજન કર્યું. જેનાથી ખબર પડી કે ઘણા બધા લોકો વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયેલા છે, અને સામે આવતા નથી. ‘ઓનલાઇન સિસ્ટમથી ફરિયાદનું મોનિટર કરીએ છીએ’
પીડિત લોકો તમારી સુધી કેવી રીતે પહોંચે છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમે ઓફિસમાં આવતા દરેક ફરિયાદીને સાંભળીએ છીએ. તેની ઓનલાઇન એન્ટ્રી કરાવીએ છીએ એટલે બધી એન્ટ્રી અમારી પાસે આવી જાય. ફરિયાદી અમારી પાસે આવે ત્યારે તેની ઘણી બધી સૂચનાઓ પહેલાથી જ મળી જાય છે. ફરિયાદીને સાંભળ્યા પછી સંબંધિત પોલીસ સ્ટેશનના PI-DYSPને જાણ કરીએ છીએ. PRO ફોન કરી સ્ટેટસની સોફ્ટવેરમાં એન્ટ્રી કરે છે. જેથી હુ પણ શું કાર્યવાહી થઈ તે ચેક કરુ છે. પછી ફરિયાદીને ફરીથી કોન્ટેક્ટ કરી એમની સાથે ચર્ચા પછી ફીડબેક લઇએ છીએ. ફરિયાદી અમારી પાસે આવે તો હું જે વસ્તુ પોલીસ સ્ટેશન મોકલું એની સાથે ફરિયાદીનો મોબાઈલ નંબર હોય એમાં પણ ફરિયાદી પાસે મેસેજ જતો રહે છે, અને એ જ મેસેજ જે તે પોલીસ મથકના PIના મોબાઈલમાં પણ જાય છે, કે એમાં શું કાર્યવાહી થઈ અને હાલ શું સ્ટેટસ છે. જેથી ફરિયાદીને સંતોષ થાય છે કે, અમને પોલીસે સાંભળ્યા અને એમાં કાર્યવાહી થઈ છે. કાર્યવાહીનું અમે ફીડબેક પણ લેતા હોઈએ છીએ. ત્યારબાદ ફાઈનલી અરજી ફાઈલ કરવાની હોય કે નિર્ણય લેવાનો હોય ત્યારે પણ અરજી બ્રાન્ચથી ફરિયાદી પર ફોન જાય છે કે, કાર્યવાહીથી તમે સંતુષ્ટ છો કે કેમ? જે જવાબ મળે એ અરજી બ્રાન્ચ અમારી પાસે લઈને આવે છે. આમ ફરિયાદીનો બધો જ રિપોર્ટ ઓફિસની સિસ્ટમમાં રાખીએ છીએ. ‘સૌપ્રથમ વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોને આઇડેન્ટીફાય કર્યા’
વ્યાજખોરોને કેવી રીતે સમજાવો છો, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ફરિયાદોના આધારે અમે સૌપ્રથમ વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોને આઇડેન્ટીફાય કર્યા, પછી અમે જાતે ફરિયાદીને સાંભળીને કેવી રીતે આનો નિકાલ કરવાનો થાય એની શરૂઆત કરી. શરૂઆતમાં ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો પણ ધીમેધીમે ખબર પડી કે કેવી રીતે વ્યાજખોરો લોકોને પોતાના ચૂંગાલમાં ફસાવે છે, માની લો કે, કોઈ પાસેથી રૂ.10,000 લીધા, એ માણસ એની સામે 1 લાખ ભરી દે તો પણ એની મૂડી તો ત્યાંને ત્યાં જ રહે છે, એ ક્યારેય પૂરી થતી નથી. ‘વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોના ઘરેથી ચેક, દાગીના મળ્યા’
વ્યાજખોરોના રિએક્શન વિશે પૂછતા જણાવ્યું કે અમે બધી જૂની અરજીઓ જોઈ, કે કોણ આવા કામ કરે છે. પછી અમે ASP અને DYSPની આગેવાનીમાં વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોના ઘરે જઈ સર્ચ ઓપરેશન કર્યું, જેમાં એમના ઘરેથી ચેક, મોર્ગેજમાં મુકેલા દાગીના અને અન્ય વસ્તુઓની જાણકારી મળી. ‘ફરિયાદીના દાવાની સત્યતા તપાસીએ છીએ’
વ્યાજખોરોના કેસમાં ફરિયાદીને સાંભળ્યા પછી તેમાં કેટલી ગંભીરતા છે તે વિશે સંબધિત પોલીસ સ્ટેશનથી ચેક કરાવીએ છીએ. જો સત્યતા હોય તો આગળની કાર્યવાહી કરીએ છીએ. ‘દાગીના, મકાન, જમીન સહિત કુલ 7.20 કરોડના મૂલ્યની મિલકત પાછી અપાવી’
સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં વ્યાજખોરો પાસેથી કેટલા લોકોને મિલકત પાછી અપાવી? આ વિશે જણાવ્યું કે કુલ 123 તોલા સોનાના દાગીના તથા 1 જોડી સોનાની બુટી પરત અપાવી છે. દસ્તાવેજ તથા જમીનમાં કુલ 4 મૂળ મકાનના અસલ દસ્તાવેજ પરત અપાવ્યા છે, તથા 18 વીઘા જમીન વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવાઈ છે. અંદાજે રૂ. 8 કરોડ 26 લાખ 93 હજાર કુલ નાણાકીય રાહત તથા રિકવરી કરવામાં આવી છે. 63.43 લાખના અટવાયેલા મજૂરીના નાણાં, ફ્લેટ/મકાનના એડવાન્સ, કેટરિંગ લેણાં અને જમીન રોકાણના નાણાં પરત અપાવ્યા છે. 43.50 લાખ ગેરકાયદેસર વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અને અન્યાયી વ્યાજ માફ કરાવ્યા છે. પરત અપાવેલી મિલકતોનું મૂલ્ય રૂ. 7.20 કરોડ જેમાં ડમ્પર, આઇસર, ટ્રક, કાર જેવા 15થી વધુ વાહનો, રૂ. 82 લાખના શેર સર્ટિફિકેટ્સ તથા દાગીનાનું મૂલ્ય છે. ‘સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ લે છે કેમ તે ચેક કરીએ’
જો કોઈ શરાફી લાયસન્સવાળા પાસેથી વ્યાજે પૈસા લીધા હોય અને લોકો પીડિત હોય તો એવા કિસ્સામાં શું કરો છો, જેના જવાબમાં જણાવ્યું કે જો કોઈ પાસે કાયદાકીય રીતે વ્યાજ વટાવ આપવાનું લાયસન્સ હોય તો અમે લાયસન્સ ચેક કરીએ છીએ, પછી ફરિયાદીને જે પૈસા આપ્યા છે એ સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ લે છે કે વધારે વ્યાજ લે છે, અને જો વધારે લેતો હોય તો કાર્યવાહી કરીને એનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરાવીએ છીએ. ‘રેન્જ ડીઆઇજી તરફથી સમયાંતરે સૂચનો મળે છે’
કોઈ ઉપરી અધિકારી તરફથી કોઈ સલાહસૂચન કે વખાણ કર્યા છે, તે વિશે જણાવ્યું કે સુરેન્દ્રનગરના જનપ્રતિનિધિઓ તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. રેન્જ ડીઆઈજી તરફથી પણ સમયાંતરે સૂચનો મળ્યા છે. એ જાતે રસ લઈને તમામ બાબતો ચેક કરે છે કે ફરિયાદી આવ્યા, એના પ્રશ્નનો નિકાલ થયો છે કે કેમ? એ સિવાય આપણા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ સમયાંતરે પોતાની સ્પીચમાં કહેતા હોય છે. અમે આ બાબતે ધ્યાનમાં રાખીને કામગીરી કરતા હોઈએ છીએ. ‘જીવનમાં એક નાનું એવુ સારું કામ કરવાની તક મળી’
મહિલાઓ ઘરેણા લેવા આવે ત્યારે ઓફિસમાં ભાવુક દૃશ્યો સર્જાય છે, મહિલાઓ રડીને ઘરેણાના ઓવારણા લે છે, એ વખત કેવી ફિલિંગ્સ આવે છે, આ વિશે જણાવ્યું કે પોલીસ સેવાથી લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે. ઘણીવાર એવુ પણ થાય છે કે, આપણે બિમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ અનેે ડૉક્ટર સારી રીતે સાંભળી લે, તો અડધી બીમારી તો એમ જ દૂર થઈ જાય એ રીતે અમારી પાસે ઘણા લોકો આવતા હોય છે, જેમના 8-10 વર્ષથી દાગીના વ્યાજ વટાવમાં ફસાયેલા હોય છે, એના લીધે કોઈ પરિવારજનોએ જીવન ટૂંકાવી લીધુ હોય, એ લોકો આવે ત્યારે અમારું પહેલું કામ તેમને સારી રીતે સાંભળવાનું હોય છે. ઓફિસમાં આવે એટલે પાણી પીવડાવી શાંતિથી સાંભળી, વર્ક આઉટનો ભરોસો આપીએ છીએ. જો ફરિયાદી સાચો હોય તો એના પર તરત જ કાર્યવાહી કરી એમની ચીજવસ્તુઓ પરત અપાવીએ છીએ. ત્યારે અમને પણ એવો આનંદ થતો હોય છે કે, આપણે સર્વિસમાં આવ્યા અને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો, પણ અંદરથી શાંતિ અને સંતુષ્ટી મળતી હોય છે. અમે ઘરે જઇએ તો એવુ લાગે કે, જીવનમાં એક નાનું એવુ સારું કામ કરવાની તક મળી. ‘સારું કામ કરવા માટે પરિવાર પ્રોત્સાહન આપે છે’
તમારા અભિયાન અંગે તમારા પરિવારનું શું કહેવું છે, તે વિશે જણાવ્યું કે પરિવારમાં ઓફિસની બાબતો અંગે ચર્ચા નથી કરતા, પરંતુ સોશિયલ મીડિયાથી કે અન્ય કોઈ રીતે જાણ થાય તો પરિવારજનોની એવી ઈચ્છા હોય છે કે, જ્યાં સુધી આપણે આ ખુરશી પર હોઈએ ત્યા સુધી લોકોનું ભલું કરી શકીએ, સારુ કરી શકીએ, તે વિશે બા-બાપુજી અને મારી ધર્મ પત્ની હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે. એમની હંમેશા એવી ઈચ્છા હોય છે કે, લોકો માટે સારું કામ કરતા રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. પરિવારની ખુશી જોઈને અમને પણ એવુ થાય છે કે, આપણે જીવનમાં કઈંક સારું કરવાનો પ્રયત્ન કર્યો. હંમેશા દરેક વસ્તુમાં સુધારો કરવાની શક્યતા હોય જ છે. ‘સફળતાનો શ્રેય સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમને’
તમારી આ અનોખી પહેલની સફળતાનો શ્રેય કોને આપી શકાય, આના જવાબમાં જણાવ્યું કેે અમારી આ પહેલમાં આખી સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમને શ્રેય આપું છું, કે અમે અહીંથી જે સૂચનાઓ આપીએ છીએ, તમામ પોલીસ કર્મચારીઓ એના પર ત્વરિત કાર્યવાહી કરે છે. અમને તો ફક્ત યશ મળવાનો હોય છે, અમારી જે કામગીરી છે, એ અમારા કોન્સ્ટેબલ અને પીએસઆઇથી લઈને એએસપી અને ડીવાયએસપી સહિતના તમામ કર્મચારીઓ ખંતથી કરતા હોય છે. ‘કોઈની તાકાત કે હિંમત નથી કે તમારી સાથે ખોટું કરી જાય’
વ્યાજખોરોના ચક્કરમાં લોકો ના ફસાય એ માટે દિવ્ય ભાસ્કરના વાચકોને એસપીએ ખાસ સલાહ આપતા કહ્યું કે, ફક્ત વ્યાજખોરો નહીં, ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ સહિતના માફિયાઓ પર અમે કડકથી કડક પગલાઓ લઈ રહ્યાં છીએ. તમારે કોઈનાથી ગભરાવવાની જરૂર નથી. કોઈની તાકાત કે હિંમત નથી કે તમારી સાથે ખોટું કરી જાય. હું બધાને એટલું ચોક્કસ કહું છું કે આપના પ્રશ્નો અંગે કોઈની પાસેથી ફોન કરાવવાની જરૂર નથી, કે કોઈની જોડે કહેવડાવાની જરૂર નથી. અમારી ઓફિસ 24 કલાક માટે તમારા બધા માટે ખુલ્લી છે, કોઈપણ અમારી ઓફિસે આવીને અમને મળી શકે છે, અને હું જાતે તમને મળીને જે પણ કાયદેસરની રજૂઆત હશે, એ માટે એટલી ગેરેન્ટી આપુ છું, કે અમારી ઓફિસથી તમારી તકલીફનો અવશ્ય નિકાલ થશે, અને અમારા ડીવાયએસપી અને એએસપી અને પીઆઇની ઓફિસે કે પોલીસ સ્ટેશનથી એનો નિકાલ થઇ જશે, અને કોઈપણ જગ્યાએ એનો નિકાલ ના થાય કે તમારી રજૂઆત ના સાંભળે, તો તમે અમારી ઓફિસે ગમે ત્યારે આવી શકો છો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *