વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી એક યુવકનો કમકમાટીભર્યો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. યુવકનો મૃતદેહ ધડ અને કમરના ભાગેથી બે ટુકડામાં છૂટો પડેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવને પગલે તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.
ગોરવા અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઘટના અંગેની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ટ્રેનની અડફેટે આવવાથી આ ઘટના બની છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા યુવકની ઘાતકી હત્યા કરીને મૃતદેહને રેલવે ટ્રેક નજીક ફેંકી દેવામાં આવ્યો છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તજવીજ
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ છતી કરવા માટે આસપાસના વિસ્તારના ગુમ થયેલા લોકોની માહિતી ખંગાળવામાં આવી રહી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા માટે ગોરવા પોલીસે એફએસએલ (FSL) ની મદદ લઈને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
