અમદાવાદ શહેરના પ્રખ્યાત સોના-ચાંદીના બજાર માણેકચોક અને ખાડિયા વિસ્તારમાં વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈની સનસનાટીભરી ઘટના સામે આવી છે. માણેકચોકમાં સોનાની બંગડીઓનો વેપાર કરતા પરેશ સોની નામના વેપારી પાસેથી રૂ.13.29 લાખની કિંમતની સોનાની બંગડીઓ ખરીદીને તેની સામે નાણાં ન ચૂકવીને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ઘનશ્યામ સોની અને યશ સોની સામે ગુનો
ભોગ બનનાર વેપારી પરેશ સોનીની ફરિયાદના આધારે ખાડિયા પોલીસે હરી જ્વેલર્સના માલિક ઘનશ્યામ સોની અને તેમના પુત્ર યશ સોની સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો વિધિવત ગુનો દાખલ કર્યો છે. આરોપી પિતા-પુત્રએ વેપારી પાસેથી કિંમતી સોનાની બંગડીઓનો જથ્થો મેળવી લીધા બાદ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવ્યા ન હતા અને બાદમાં પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેથી આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સોના-ચાંદીના વેપારીઓમાં ભારે ખળભળાટ મચાવનારા આ બનાવો અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે વેપારી વચ્ચે થયેલા આર્થિક વ્યવહારો અને બિલિંગના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આરોપી પિતા-પુત્ર ઘનશ્યામ સોની અને યશ સોનીની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવા માટે ખાડિયા પોલીસ સ્ટેશનની ટીમ વધુ કાર્યવાહી કરી રહી છે.
