અમદાવાદના આણંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીની પર કરવામાં આવેલા શર્મસાર બળાત્કારની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગી ગયું છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, અને તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ વેરિફિકેશન વગર કામ કરતા 57 ગાર્ડ છૂટા કરાયા
ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પોલીસ વેરિફિકેશન વગરના કોઈપણ સિક્યુરિટી ગાર્ડને કેમ્પસમાં ડ્યુટી પર રાખવામાં આવશે નહીં. આ આદેશના પગલે યુનિવર્સિટીમાં સેવારત ‘પેન્થર એજન્સી’ના અંદાજિત 57 સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવેથી માત્ર જે ગાર્ડનું કાયદેસરનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે તેમને જ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવશે.
NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આણંદનગરની ઘટના બન્યા બાદ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યુરિટી એજન્સી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. NSUI એ આરોપ લગાવ્યો હતો કે, પેન્થર સિક્યુરિટી એજન્સી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અનેક સિક્યુરિટી ગાર્ડ્સનું કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નથી, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો છે.
કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના
વિદ્યાર્થી સંગઠનોના વિરોધ અને ઘટનાની ગંભીરતાને જોતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એજન્સીઓને પોતાના તમામ કર્મચારીઓનું વેરિફિકેશન વહેલી તકે પૂર્ણ કરવા અને કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો – Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત
