સુરતના પાલ વિસ્તારમાં આવેલા ‘ગાર્ડેનિયા રો-હાઉસ’ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાને જ ખાખી વર્દીનો રોફ બતાવી પાડોશી પરિવાર પર હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી નરેશ ગઢવી (જેઓ નરેશ કુંચલા તરીકે પણ ઓળખાય છે) દ્વારા સામાન્ય કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ જેવી બાબતે પાડોશી નિલેશ નરોત્તમભાઈ પટેલ, તેમની પત્ની અને 77 વર્ષીય વૃદ્ધ માતા પર હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. સોસાયટીમાં પોલીસકર્મીની સતત દાદાગીરીનો આક્ષેપ
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, નરેશ ગઢવી પોલીસ વિભાગમાં હોવાથી સોસાયટીમાં સતત પોતાનો રોફ જમાવતો રહે છે અને દાદાગીરી કરે છે. સોસાયટીના 36-37 મકાનોમાંથી મોટાભાગના રહીશો તેની આવી અણછાજતી વર્તણૂક અને ઝઘડાઓથી ત્રસ્ત છે. તે સોસાયટીનું નિયમિત મેન્ટેનન્સ પણ ભરતો નથી અને નિયમોનું ઉલ્લંઘન કરી સાથી રહીશો સાથે સતત ઘર્ષણમાં ઉતરે છે. પાર્કિંગ મુદ્દે તકરાર બાદ ઢીકાપાટુનો માર માર્યોનો આક્ષેપ
ભોગ બનનાર નિલેશ પટેલના જણાવ્યા અનુસાર, તેમના ઘરે ફર્નિચરનું કામ ચાલતું હોવાથી કાર સોસાયટી પરિસરમાં પાર્ક કરી હતી. આ બાબતે નરેશ ગઢવીએ વાંધો ઉઠાવી વિવાદ શરૂ કર્યો હતો. શાંતિપૂર્વક સમજાવટ ચાલી રહી હતી તે દરમિયાન નરેશ ગઢવી અને તેના પરિવારે ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં નિલેશ પટેલ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ‘77 વર્ષીય વૃદ્ધ માતાને પણ ધક્કો મારી પટકી દીધા’
મારામારી દરમિયાન નિલેશ પટેલના પત્ની અને તેમના 77 વર્ષીય વૃદ્ધ માતા વચ્ચે બચાવવા પડતાં આરોપીઓએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. વૃદ્ધ માતાને જોરથી ધક્કો મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા, તેમજ પત્ની સાથે પણ ઝપાઝપી કરી હતી. સમગ્ર મારામારીની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના વીડિયો પુરાવા પણ પોલીસ સમક્ષ રજૂ કરાયા છે. સમાધાન કરવાનો ઇનકાર, કડક કાર્યવાહીની માંગ
ઘટના બાદ ભોગ બનનાર પરિવાર સહિત સોસાયટીના રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા. ભોગ બનનાર પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે ખાખીના જોરે દાદાગીરી કરતા નરેશ ગઢવી સામે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આરોપી પોલીસકર્મી સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી એફઆઈઆર દાખલ કરવા તેમજ ખાતાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે. પોલીસે બંનેના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી
આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એન એ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ આ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. બંને પક્ષો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બંનેના નિવેદન આધારે આગળની કાર્યવાહી થશે.
પાલમાં બે પરિવારો વચ્ચે મારામારી, VIDEO:પોલીસકર્મીએ પાર્કિંગ મુદ્દે માર માર્યાનો આક્ષેપ, બંને પક્ષો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
