અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નં.G9-418 મારફ્તે આવેલા કેરળના કાસરગોડના એક દંપતીને મુસાફરોની પ્રોફાઇલિંગના આધારે અટકાવી તેમની સઘન જડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ રૂ.32,37,473ની કિંમતનો બિનહિસાબી મુદ્દામાલ ઝડપાયો હતો.
કસ્ટમ્સની તપાસમાં મહિલા મુસાફર પાસેથી રૂ.28,87,473ની કિંમતનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનામાં 24 કેરેટની 999 શુદ્ધતા ધરાવતું 70.18 ગ્રામ તેમજ 18 કેરેટની 750 શુદ્ધતાનું 149.25 ગ્રામ સોનું સામેલ હતું. મહિલાએ સોનાની બંગડીઓ, કડાં, હાર, ચેઈન, પાયલ અને કાનની બુટ્ટી જેવા વિવિધ દાગીના પોતાના પર્સમાં તેમજ પહેરેલા કપડાંની અંદર શરીરના ભાગે છુપાવ્યા હતા. આ ઉપરાંત તેની સાથે રહેલા પતિના સામાનની તપાસ કરતાં તેમાંથી કસ્ટમ્સ સમક્ષ જાહેર ન કરાયેલા કોસ્મેટિક્સ, ફેસ બ્લીચ ક્રીમ, શરદી-રાહતનું તેલ, તૈયાર કપડાં, બે લેપટોપ અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ સામાનની અંદાજિત કિંમત રૂ.3.50 લાખ આંકવામાં આવી છે.
