Navsari: વાંસદામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વે દેશના શહીદોને અંજલિ અર્પણ કરાઈ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

વાંસદામાં જિલ્લાકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહના માહોલમાં કરવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમમાં કલેક્ટર મનીષ ગુરવાનીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તાજેતરના ભારે વરસાદ અને પૂર દરમિયાન વાંસદા સહિતના વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરીમાં યોગદાન આપનાર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. કલેક્ટર મનીષ ગુરવાનીએ મુશ્કેલીના સમયમાં ખડેપગે રહી કામગીરી કરનાર સૌનો આભાર વ્યક્ત કરી વિકાસના કાર્યોમાં સૌના સહયોગનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સેવાકીય કામગીરીમાં નોંધપાત્ર યોગદાન બદલ સની પંચાલ, સંયમી પંચાલ, પોલીસ કર્મી નરસિંહ પટેલ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિતની સેવાકીય સંસ્થાઓ અને કાર્યકરોનું કલેક્ટર મનીષ ગુરવાની તથા સાંસદ ધવલ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતથી સમગ્ર વાંસદા સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે વાંસદામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *