શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ:હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, મહાદેવની પાલખીયાત્રાનું આયોજન

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

શિવજીને અતિપ્રિય અને શિવ ઉપાસના માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. પાલખી યાત્રા અને પૂજા વિધિનું આયોજન
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાલખી યાત્રા દરમિયાન સોમનાથમાં ભક્તિ અને ધાર્મિક માહોલ વધુ ગાઢ બનશે. મંદિર ખાતે આવેલા વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ પૂજા વિધિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભાવિકો ધાર્મિક વિધિઓમાં સહભાગી બની શકે.
ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન
શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ પહોંચતા હોય છે. પ્રથમ સોમવારે ભક્તોની સંખ્યા વધુ રહેવાની શક્યતા હોવાથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને કતારબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે દર્શન થઈ શકે તથા કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રાવણના 4 સોમવાર, તહેવારોના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખુલશે
શ્રાવણ માસને લઈ સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરાઈ છે અને સોમવાર તેમજ તહેવારોમાં મંદિરના દ્રાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ રુપી શીવ મહોત્સવનો પ્રારંભ તા.13 ઓગસ્ટથી થઈ ગયો છે અને પૂર્ણાહુતી તા.11 સપ્ટેમ્બરને શ્રાવણ વદ અમાસના રોજ થશે.સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જન ને સુંદર રીતે થાય તેવુ આગવુ આયોજન કરવામાં આવ્યું છે. ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત
સોમનાથ મંદિરને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા પ્રાપ્ત હોવાથી શ્રાવણ માસ દરમિયાન સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ મંદિર અને આસપાસના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભીડ નિયંત્રણ, વાહન વ્યવહાર અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *