Vadodara: પાદરાથી 400થી વધુ કાવડિયાનું કાવી કંબોઈ તરફ પ્રસ્થાન કરાયું

📅 Published: August 17, 2026 | 📂 Category: Baroda

માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવાર નિમિત્તે પાદરાથી 400થી વધુ શિવભક્ત કાવડિયાઓ કાવી કંબોઈ ખાતે આવેલા પવિત્ર શ્રી સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરવા રવિવારે કાવડ સાથે પ્રસ્થાન કર્યું હતું.

કાવડ યાત્રાનો પ્રારંભ પાદરા ખાતે ખત્રી મહારાજના મંદિરેથી કરાયો હતો. આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસ મહારાજ ઉપસ્થિત રહી કાવડિયાઓને આશીર્વચન પાઠવ્યા હતા. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ સહિત મારુતિ સિરામિકના હિતેષ પટેલ અને દીપ ઇલેક્ટ્રોનિક્સના દિલીપ ઘડિયાળી સહિતના મહાનુભાવો દ્વારા કાવડિયાઓનું સ્વાગત કરી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

બમ બમ ભોલેના જયઘોષ સાથે કાવડિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આયોજકો દ્વારા કોલકાતાના હુગલીથી ગંગા નદીનું પવિત્ર જળ લવાયું છે. આ પવિત્ર ગંગાજળ કાવડિયાઓ દ્વારા કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે અર્પણ કરી જલાભિષેક કરાશે.

આ પ્રસંગે આયોજક વસંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, 4 વર્ષથી માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાઇ રહ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં શિવભક્તો યાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ 400થી વધુ કાવડિયાઓ જોડાયા છે અને શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવને જલાભિષેક કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *