ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આવેલું પ્રાચીન ઝરીયા મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. આ શિવાલય તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે, જ્યાં ગુફાની દિવાલોમાંથી બારેમાસ શિવલિંગ પર સતત જળાભિષેક થાય છે. ચોટીલાના માંડવ વનમાં આવેલી કુદરત રચિત ગુફાઓમાં આ શિવલિંગ સ્થાપિત છે. ગુફાની ચોતરફની દિવાલોમાંથી ચોવીસ કલાક ટોપરાના મીઠા પાણી જેવું જળ આપોઆપ શિવલિંગ પર અભિષેક કરતું રહે છે. આ જળના સ્ત્રોત અને તે ક્યાંથી આવે છે તે રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આ ઝરીયા મહાદેવ મંદિર પંચાળ ભૂમિના અનેક પ્રાચીન ધાર્મિક સ્થળો પૈકીનું એક છે. લોકવાયકા મુજબ, પાંડવોએ સ્વયંભૂ શિવલિંગની અહીં પૂજા કરી હતી. આ સ્થળ પ્રકૃતિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ઝરીયા મહાદેવના શિવાલય સામે એક બીજી ગુફા પણ આવેલી છે, જેમાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત છે. મંદિરની આસપાસ ચોતરફ લીલોતરી અને કુદરતી સૌંદર્ય છવાયેલું છે, જે પર્યટકોને આકર્ષે છે. ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં આ પૌરાણિક મંદિર આવેલું છે. સુરેન્દ્રનગરથી અંદાજે 68 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળે બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, પરંતુ શ્રાવણ મહિનામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો અને પર્યટકો ઉમટી પડે છે.
ચોટીલાના ઝરીયા મહાદેવમાં દિવાલોમાંથી શિવલિંગ પર સતત જળાભિષેક:બારેમાસ અવિરત જળધારા, પાંડવોએ પૂજા કર્યાની લોકવાયકા
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
