Mahisagarમાં GBSના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ લાલઘૂમ: હોટલો અને છાત્રાલયોમાં દરોડા

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

મહીસાગર જિલ્લામાં જન આરોગ્યના રક્ષણ માટે ફૂડ સેફ્ટી વિભાગ અને આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક ધોરણે તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વધી રહેલા જીબીએસ (GBS) રોગચાળાના પગલે જાગૃત બનેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લુણાવાડા નગરમાં છેલ્લા બે દિવસથી હોટલો, નાસ્તાની દુકાનો, ખાણીપીણીની લારીઓ તેમજ શાળાઓ અને છાત્રાલયોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. લોકો તથા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરવા અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રેસ્ટોરન્ટ અને છાત્રાલયને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ 

તપાસ દરમિયાન આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. લુણાવાડાની જાણીતી આવકાર રેસ્ટોરન્ટમાં તપાસ વેળાએ ક્ષતિઓ જણાતા સંચાલકને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ આપવામાં આવી છે. આ ઉપરાંત બક્ષીપંચ છાત્રાલયમાં પણ રસોડા અને આસપાસ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્ર દ્વારા નોટિસ ફટકારી તુરંત સુધારા કરવા આદેશ કરાયા છે. બીજી તરફ લુણાવાડા નગરપાલિકા દ્વારા પણ ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા

ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે લુણાવાડા નગરની વિવિધ હોટલો, ડેરીઓ અને શાળાઓમાંથી ખાદ્યપદાર્થોના શંકાસ્પદ સેમ્પલો લીધા છે. આ તમામ સેમ્પલોને લેબોરેટરી પરીક્ષણ અર્થે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્ય સામગ્રી અપ્રમાણસર કે ગુણવત્તા વગરની જણાશે તો જવાબદારો સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી નગરના અપ્રમાણિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *