વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ:27 વર્ષથી ચાલી આવતી પરંપરામાં અનેક શિવભક્તો જોડાયા

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડ શહેરમાં પરંપરાગત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતીય સમાજ દ્વારા છેલ્લા 27 વર્ષથી વધુ સમયથી યોજાતી આ યાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આ કાવડ યાત્રા કોસંબા રોડથી શરૂ થઈને તડકેશ્વર મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં ઉત્તર ભારતીય સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. ભક્તોએ કાવડ સાથે યાત્રા કરી તડકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. યાત્રા દરમિયાન ડીજે પર શિવભક્તિના ગીતો અને ભજનોના સૂર ગુંજી રહ્યા હતા. શિવભક્તોના ‘બોલ બમ’ અને ‘હર હર મહાદેવ’ના ગગનચુંબી નારાથી સમગ્ર વલસાડ શહેર ભક્તિમય બની ગયું હતું. માર્ગ પર કાવડિયાઓ અને શિવભક્તોની મોટી સંખ્યાને કારણે શહેરમાં અનોખો ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ કાવડ યાત્રા શ્રાવણ માસમાં માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહી છે. 27 વર્ષથી ચાલી આવતી આ પરંપરા નવી પેઢીને શિવભક્તિ સાથે જોડવાનું કાર્ય કરી રહી છે. ભક્તોએ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે શ્રાવણ માસની શરૂઆતને ભક્તિભાવપૂર્વક વધાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *