વાપીમાં 19મી સાર્વજનિક કાવડ યાત્રા યોજાઈ:શહેરમાં 'હર હર મહાદેવ'ના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રી ખાટૂ શ્યામ પ્રચાર મંડળ અને સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે 19મી સાર્વજનિક કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર વાપી શહેર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ભક્તિમય બન્યું હતું. આ કાવડ યાત્રાનું પ્રસ્થાન સવારે અંબે માતા મંદિર ખાતેથી વિધિવત પૂજા-અર્ચના સાથે થયું હતું. શ્રદ્ધાળુઓ કંધા પર કાવડ ઉપાડી ભગવાન ભોળાનાથનો જલાભિષેક કરવા રવાના થયા હતા. આ યાત્રા સાંજે કુંતા સ્થિત પ્રસિદ્ધ કુંતેશ્વર મહાદેવ મંદિર પહોંચી, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા શિવજી પર જલાભિષેક કરાશે. આયોજકો અને અગ્રણીઓએ જણાવ્યું કે, છેલ્લા 19 વર્ષથી યોજાતી આ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સર્વ સમાજની એકતા, ભાઈચારા અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનું ઉદાહરણ પૂરું પાડે છે. જે શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગ જઈ શકતા નથી, તેઓ આ યાત્રામાં જોડાઈ પુણ્યનું ભાથું બાંધે છે. યાત્રામાં દેશભરના વિવિધ વિસ્તારોમાંથી વાપીમાં વસેલા પરપ્રાંતીય અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાવડ યાત્રાના સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓ કરાઈ હતી. કાવડિયાઓ માટે ઠેર-ઠેર જલપાન, અલ્પાહાર અને વિશ્રામની વ્યવસ્થા સહિત સિગ્નેચર V2 અને કુરિયા એપાર્ટમેન્ટના રહીશો તેમજ સ્થાનિક આયોજકો દ્વારા વિશેષ સહયોગ અપાયો હતો. સાંજે કુંતેશ્વર મંદિર પરિસરમાં મહાપ્રસાદ અને ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આયોજકો દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન શિસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા બદલ તમામ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કરાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *