Gen Alpha Protests: શાળાની સ્થિતિથી નારાજ બાળકો શેરીઓમાં ઉતરી આવતા સિસ્ટમ ઘૂંટણિયે

📅 Published: August 17, 2026 | 📂 Category: India National

જંતર મંતર CJP પ્રોટેસ્ટને સફળતા મળતા હવે દેશભરમાં વિરોધ પ્રદર્શનનો વંટોળ ફૂંકાયો છે. વર્ષોથી ચાલતી બિસ્માર સ્થિતિને એક સિસ્ટમ ના માની લેતા હવે લોકો અવાજ ઉઠાવા લાગ્યા છે. Gen Z પ્રોટેસ્ટ બાદ હવે વધુ એક જનરેશનને ખરાબ સિસ્ટમ પર સવાલ ઉઠાવવા વિરોધનો મોરચો માંડયો છે. દેશભરમાં શાળાઓની બિસ્માર સ્થિતિ, શિક્ષકોની અછત અને ખરાબ રોડને લઈને હવે જનરલ આલ્ફા મેદાને પડી છે.

જનરલ આલ્ફાના આકરા તેવર, મૂકી મોટી માગ

લખનૌના દુબગ્ગા ચાર રસ્તા પર તાજેતરમાં એક અનોખો વિરોધ જોવા મળ્યો. 10 થી 15 વર્ષના સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બાળકો પીઠ પર બેગ લટકાવીને રસ્તા વચ્ચે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વિરોધનું કારણ હતું—શાળામાં શિક્ષકોની ગેરહાજરી. પોલીસે આવીને સ્થિતિ શાંત પાડી, પરંતુ આ ઘટના કોઈ એક શહેર પૂરતી મર્યાદિત નથી. વર્ષ 2010 પછી જન્મેલી નવી પેઢી—’જનરેશન આલ્ફા’ (Gen Alpha)—હવે અન્યાય કે સિસ્ટમની બેદરકારી સામે શાંતિથી બેસવાના મૂડમાં નથી.

વહીવટીતંત્ર જનરલ આલ્ફાની જીદ સામે ઝૂકયું

જૂની પેઢીઓએ જે સુવિધાઓના અભાવને પોતાનું ભાગ્ય માની લીધું હતું, તેના પર આ નવી પેઢી સીધા સવાલો ઉઠાવી રહી છે. જર્જરિત વર્ગખંડો, શૌચાલયનો અભાવ કે ગેરહાજર શિક્ષકો—આ તમામ મુદ્દાઓને લઈને બાળકો હવે શેરીઓમાં ઉતરી રહ્યા છે અને તેમની આ જીદ સામે વહીવટીતંત્રને ઝૂકવું પડી રહ્યું છે.

દેશભરમાંથી સામે આવેલા જનરલ આલ્ફાના આક્રોશના મુખ્ય કિસ્સાઓ

લખનૌ (ઉત્તર પ્રદેશ): જયપ્રકાશ નારાયણ સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત સામે બાલાગંજ ચોક અને દુબગ્ગા રોડ ચક્કાજામ કર્યો હતો. ત્રણ દિવસ સુધી સતત વિરોધ કરીને બાળકોએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે માત્ર પોકળ આશ્વાસનોથી સંતોષ નહીં માણે.

સિરોહી (રાજસ્થાન): આદિવાસી કન્યા છાત્રાલયની 50 જેટલી વિદ્યાર્થિનીઓ ખરાબ ભોજન અને અસ્વચ્છતાના વિરોધમાં સીધી કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ હતી. કલેક્ટરે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરવી પડી હતી.

અલવર (રાજસ્થાન): જોધાવાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ નવી બિલ્ડિંગ, શૌચાલય અને લાઇબ્રેરીની માંગ સાથે પ્રદર્શન કર્યું. ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં વહીવટીતંત્રે એક મહિનામાં માંગણીઓ સંતોષવાની ખાતરી આપવી પડી.

કન્નૌજ (ઉત્તર પ્રદેશ): જવાહર નવોદય વિદ્યાલય (JNV) ના વિદ્યાર્થીઓએ સુવિધાઓના અભાવ અને શિક્ષકોના ખરાબ વર્તન સામે પોતાને વર્ગખંડમાં બંધ કરી દીધા હતા. વિડિયો વાયરલ થતાં ખુદ ડીએમ આશુતોષ મોહન અગ્નિહોત્રી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ગઢવા (ઝારખંડ): લોકપ્રિય શિક્ષકની બદલી અને વિરોધ દરમિયાન બ્લોક ચીફ દ્વારા વિદ્યાર્થીને થપ્પડ મારવાના આરોપ બાદ ગુસ્સે ભરાયેલા બાળકોએ નેતાની કારમાં તોડફોડ કરી હતી.

હમીરપુર (ઉત્તર પ્રદેશ): ચંદુપુર ગામના બાળકોએ ગામમાં પાકો રસ્તો બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ઘેરી લીધી હતી. તેના પરિણામે ADM, SDM અને PWD ના અધિકારીઓએ જાતે ગામની મુલાકાત લઈ રસ્તાનું કામ ઝડપી બનાવવું પડ્યું.

વિદિશા અને રાજગઢ (મધ્ય પ્રદેશ): સિરોંજમાં બસ ભાડા વધારા સામે વિદ્યાર્થિનીઓએ બસ સ્ટેન્ડ પર અડધો કલાક વિરોધ કર્યો. જ્યારે રાજગઢના સંદાવતામાં શાળા સામે આવેલી દારૂની દુકાન હટાવવા માટે વિદ્યાર્થીઓએ 2 કલાક સુધી હાઇવે બ્લોક કરી દીધો હતો.

બદલાયેલો વિરોધનો મૂડ

આ ઘટનાઓ સાબિત કરે છે કે આ ‘જનરલ આલ્ફાનું નવું ભારત’ છે. આ બાળકો માત્ર કાગળ પર આપેલા વચનોથી માની જાય તેવા નથી. પોતાના અધિકારો કેવી રીતે માગવા તે આ પેઢી સારી રીતે જાણે છે. વર્ગખંડમાં યોગ્ય શિક્ષણ અને છાત્રાલયમાં મૂળભૂત સુવિધાઓ નહીં મળે, તો આ બાળકો રસ્તા પર ઉતરીને સિસ્ટમ પાસે પોતાની માંગણીઓ પૂરી કરાવીને જ જંપશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *