સુરતમાં વધુ એક નશાખોર ચાલકનો આતંક:દારૂના નશામાં ધૂત ચાલકે અન્ય કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો; ભાગવા જતાં લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં નશાખોર વાહનચાલકોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોટા વરાછા વિસ્તારમાંથી વધુ એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. મોટા વરાછા ખાતે આવેલા વ્યસ્ત રામ ચોક નજીક દારૂના નશામાં ધૂત એક ઇકો કારના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી અન્ય એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ચાલકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, સ્થાનિક લોકોએ તેને તુરંત ઝડપી પાડ્યો હતો. અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોએ ઘેર્યો
મોટા વરાછાના રામ ચોક પાસેથી પસાર થઈ રહેલી એક ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન, પોતાની ભૂલ છુપાવવા અને કાયદાના સકંજામાંથી બચવા માટે ઇકો ચાલકે કાર ભગાવી ત્યાંથી છૂટી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર જાગૃત નાગરિકોએ પીછો કરી કારને અટકાવી દીધી હતી અને ચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું જણાતાં લોકરોષ ફાટી નીકળ્યો
કારમાંથી બહાર કઢાયેલો ચાલક લથડિયાં ખાઈ રહ્યો હતો અને તે દારૂના ભારે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જાહેરમાં નશો કરી બેફામ વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ જોખમમાં મૂકનારા ચાલક પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ નશાખોર ચાલકને રસ્તા પર જ મેથીપાક ચખાડ્યો હતો. 112 પર કૉલ કરી આરોપીને પોલીસ હવાલે કરાયો
ચાલકને મેથીપાક ચખાડ્યા બાદ સ્થાનિકોએ તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર કૉલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને સમગ્ર બનાવની જાણ કરી હતી. કૉલ મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ પકડી રાખેલા નશાખોર ચાલક તેમજ અકસ્માતગ્રસ્ત કારનો કબજો પોલીસે સંભાળ્યો હતો. પોલીસે આરોપી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *