પગ વડે બાઈકનું લોક તોડી ચોરી કરનાર ઝડપાયો:મોંઘા સ્પોર્ટ્સ બાઇક ચોરી રાજસ્થાનમાં વેચી મોજશોખ પૂરા કરતો, 6 બાઇક પણ કબજે કરાયા

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

શહેરના પોશ વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતી રીઢા વાહનચોર ટોળકી સામે સોલા પોલીસે મોટી સફળતા મેળવી છે. પગ વડે જોરથી ફટકો મારી બાઇકનું હેન્ડલ લોક તોડી ચોરી આચરતા એક શાતિર તસ્કરને સોલા પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલા આરોપી પાસેથી વિવિધ વિસ્તારોમાંથી ચોરેલી 6 મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક કબજે કરવામાં આવી છે. આ ગેંગ અમદાવાદમાંથી બાઈક ચોરી કરીને રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી મારતી હતી. સિલ્વર ઓક કોલેજ પાસે વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણ અને પીએસઆઈ એસ.જે. દેસાઈની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિલ્વર ઓક કોલેજ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક બાઈક સવારને રોકી પોલીસે વાહનના દસ્તાવેજો માંગ્યા હતા. ચાલક ગલ્લાંતલ્લાં કરવા લાગતાં પોલીસે કડક પૂછપરછ કરતાં બાઈક ચોરીનું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે તાત્કાલિક આરોપી વિકાસ પરમારની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. પગ વડે લોક તોડવું અને AMC પાર્કિંગમાં છુપાવવું
પોલીસ પૂછપરછમાં આરોપીની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. આરોપી પોતાના સાથીદાર સાથે મળીને માત્ર સ્પોર્ટ્સ બાઈકને જ નિશાન બનાવતો હતો. કોઈપણ વાયર કાપ્યા વગર પગ વડે હેન્ડલ પર જોરથી ફટકો મારી ક્ષણભરમાં લોક તોડી નાખતો હતો. ચોરી કર્યા બાદ તમામ 6 બાઈક સિલ્વર ઓક કોલેજ પાસે આવેલા AMCના જાહેર પાર્કિંગમાં કોઈને શંકા ન જાય તે રીતે પાર્ક કરી રાખ્યા હતા. મોકો મળતાં જ આ બાઈકને રાજસ્થાન લઈ જઈ સ્થાનિક ગ્રાહકોને ખૂબ જ સસ્તા ભાવે વેચી મારતા હતા. શહેરના 6 પોલીસ મથકના વણઉકેલાયેલા ગુના ઉકેલાયા
પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલી બાઈકના આધારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલા વાહનચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે: હાલ સોલા પોલીસે વિકાસ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનાહિત નેટવર્કમાં સંડોવાયેલા તેના ફરાર સાથીદારને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *