વારસિયામાં યુવક પર ચપ્પુ-ડંડા વડે 4 શખસ તૂટી પડ્યા:સિગારેટ પીવા ઊભો હતો ને પાડી દીધો, જૂની અદાવતે હુમલાની આશંકા

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના વારસિયામાં વૃન્દાવન ટાઉનશીપ નજીક સિગારેટ પીવા ઊભેલા એ.સી. રિપેરિંગના કારીગર પર જૂની અદાવતમાં ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવક સાથે તકરાર કરી ચપ્પુ તેમજ ડંડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે વારસિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિગારેટ પીવા માટે રોકાયો અને હુમલો કર્યો
મૂળ સીનોરના ગરાડી ગામના વતની અને હાલ હાથીખાના પાછળ ચમન ટેકરા ખાતે રહેતા સફીઉદ્દીન મુસ્તાકશા દિવાન એ.સી. રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 16 ઓગસ્ટના રોજ બપોરના સુમારે તેઓ પોતાના મિત્ર શોહીલ શેખ સાથે મોટરસાઇકલ પર કામ માટે નીકળ્યા હતા. તે દરમિયાન વારસિયા વૃન્દાવન ટાઉનશીપ પાસે આવેલી એક દુકાન નજીક તેઓ સિગારેટ પીવા માટે રોકાયા હતા. 4 શખસ ચપ્પુ-ડંડા લઈને તૂટી પડ્યા
આ સમયે રહેમતનગર ભાંડવાડા વિસ્તારમાં રહેતા રેહાન ઉર્ફે બાબા પઠાણ, મીરાજ ઉર્ફે પીરૂ શેખ, શોઈહીલ ઉર્ફે બોટમ શેખ અને અન્ય એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ જૂની અદાવત રાખી સફીઉદ્દીન સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતાં રેહાન ઉર્ફે બાબાએ ચપ્પુથી હુમલો કરી સફીઉદ્દીનના ડાબા હાથની આંગળી પર ઈજા પહોંચાડી હતી, જ્યારે મીરાજે ડંડા વડે પીઠ પર વાર કરી તેને નીચે પાડી દીધો હતો અને તમામે ભેગા મળી યુવક સાથે મારપીટ કરી હતી. પોલીસ આવતાં ચારેય હુમલાખોરો ફરાર, ફરિયાદ નોંધાઈ
હુમલાની આ ઘટના દરમિયાન અચાનક પોલીસ આવી પહોંચતાં ચારેય હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કુંભારવાડા પોલીસ મથક મારફતે ઈજાગ્રસ્ત સફીઉદ્દીનને સારવાર યાદી આપી હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી હતી. યુવકે વારસિયા પોલીસ સ્ટેશન પહોંચી હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *