પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રેલવે સ્ટેશન રોડ પરથી 698 કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા સોસ અને ચટણીનું વેચાણ કરતી પેઢીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઑફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે.ચૌધરી, એમ.એલ. ગુર્જર અને ઇ.એસ. પટેલની ટીમે આ તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પાલનપુરના રેલવે સ્ટેશન રોડ સ્થિત શાક માર્કેટ પાસે આવેલા ‘મેસર્સ સિમલા પ્રોવિજન સ્ટોર’ (માલિક: મેમણ હિદાયત રસુલભાઇ) ખાતેથી શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. આ ચટણી 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ માટે રાખવામાં આવી હતી. શંકાસ્પદ જણાતાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ પૃથ્થકરણ માટે તેનો નમૂનો લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી લેબલ વગરનો કુલ 698 કિલોગ્રામ લાલ ચટણીનો જથ્થો (5 કિલોના 140 પેક જાર, અંદાજિત કિંમત રૂ. 20,940/-) સીઝ કરવામાં આવ્યો છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમનની કાર્યવાહી:698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત, 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ કરાતું
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
