ઈસ્લામિક અને આરબ દેશોની રણની રેતીમાં દાયકાઓથી એક જ દેશનો સિક્કો ચાલતો હતો જેનું નામ છે અમેરિકા. ગલ્ફના દેશોને એમ હતું કે તેમને કંઈ પણ થાય તો અમેરિકા બોડીગાર્ડ બનીને મદદ કરવા પહોંચી જશે. પણ ઈરાન સાથે અમેરિકા અને ઈઝરાયલે છેડેલા યુદ્ધના કારણે આખી બાજી ઊંધી પડી ગઈ છે. જે અમેરિકાએ દુનિયાને ડરાવી એના જ કટ્ટર સાથી દેશો હવે ઈરાનને વિમાનો ભરી-ભરીને સોનું મોકલી રહ્યા છે એવા દાવા થઈ રહ્યા છે. અમેરિકાના હાથમાંથી રણની રેતી કેમ સરકી રહી છે? તેનાથી ભારતને શું લેવાદેવા? અને ચીન અને રશિયા કેવી રીતે અમેરિકાને ઈનડાયરેક્ટલી યુદ્ધમાં હંફાવી રહ્યા છે? ચાલો વિગતે તેની વાત કરીએ. નમસ્કાર… આખો મામલો સમજીએ તેના પહેલા આપણે થોડા ભૂતકાળમાં જઈને અમુક વિગતો જાણી લઈએ. આજથી 52 વર્ષ પહેલા પશ્ચિમ એશિયામાં અમેરિકાની સાઉદી અરેબિયા સાથે એક મોટી ડીલ થઈ હતી. નામ હતું પેટ્રો ડોલર. મતલબ કે આરબ દેશોએ ક્રુડ ઓઈલનું વેચાણ ડોલરમાં કરવાનું અને બદલામાં અમેરિકા તેની સુરક્ષા કરશે. પણ આ સંધીના મૂળિયા હવે હલી ગયા હોય એવા સમાચારો સામે આવી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત અને બહેરીન જેવા દેશો અત્યાર સુધી માનતા હતા કે, તેમની જમીન પર અમેરિકાની સેના તેમની રક્ષા કરશે. પણ આજના દિવસમાં એ જ અમેરિકાની હાજરી તેમના માટે જ ડેન્જર સાબિત થઈ છે. “યુદ્ધ અમેરિકાનું, કિંમત અમે ચૂકવીએ છીએ” આપણે આ સમજીએ તેના પહેલા એક વસ્તુ ધ્યાને લઈ લઈએ કે આરબ દેશો અત્યાર સુધી શિયા દેશ ઈરાનને ખતરો માનતા હતા. અત્યારે આ આઈડિયોલોજી અચાનક બદલતી નજરે પડી રહી છે. જે ઈરાની બોમ્બ વોશિંગ્ટનમાં પડવા જોઈતા હતા એ સાઉદી કે યુએઈની તેલની રિફાઈનરી પર પડી રહ્યા છે. અને આવું બધું કેમ થઈ રહ્યું છે? તો જવાબ છે ટ્રમ્પના કારણે. ગલ્ફના એક મોટા સાહેબે નામ ન આપવાની શરતે વોશિંગ્ટન પોસ્ટમાં પોતાનો બળાપો કાઢતા કહ્યું કે, “ઈરાન-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું છે, પણ કિંમત અમે ચૂકવી રહ્યા છીએ” USના કટ્ટર દેશો ટ્રમ્પના કારણે થયા દૂર આ નિવેદન પરથી જ પરિસ્થિતિ કેટલી ભયાનક છે એ સમજી શકાય છે. એટલા માટે જ પોતાના દેશને યુદ્ધની આગમાં ખાક થતો બચાવવા માટે અમેરિકાના સૌથી કટ્ટર દોસ્ત દેશો એટલે કે યુએઈ અને સાઉદી અરેબિયા હવે અસ્તિત્વ બચાવવાના સર્વાઈવલ મોડમાં આવી ગયા છે. અને અહીંથી જ શરૂ થઈ છે આ સદીની સૌથી મોટી ખરેખરીની જીઓપોલિટકલ ગેમ…. ઈરાને શાંત પાડવા, દુબઈથી ફંડ? આપણે જાણીએ છીએ કે દુબઈ જેવા આરબ દેશોની આખી ઈકોનોમી ક્રુડ, ટુરિઝમ અને ગ્લોબલ બિઝનેસ પર ચાલે છે. જેવા ઈરાની યુદ્ધના ભણકારા વાગવાના શરૂ થયા એવા જ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં 66 ટકા જેટલો જોરદાર ઘટાડો જોવા મળ્યો. આવા આર્થિક મોતથી બચવા યુએઈએ શરૂઆતમાં તો અમેરિકાની મદદ લીધી પણ પોતાની જમીન પર અમેરિકી બેઝમાં થઈ રહેલા ઈરાનના સતત હુમલાઓના કારણે યુએઈએ હવે લગભગ હાર માની લીધી છે. ઈરાન વધુ હુમલા ન કરે તેના માટે યુએઈએ હવે અમેરિકાની પીઠ પાછલ ઈરાન સાથે સિક્રેટ ડિલ પાર પાડવાની શરૂઆત કરી દીધી છે. ઈન્ટરનેશનલ મીડિયામાં આ સમાચાર દાવા તરીકે ફરી રહ્યાં છે, તે પણ આપણે ધ્યાને લેવું રહ્યું. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે… યુએઈએ ઈરાનના 3 અબજ ડોલરના ફ્રી થયેલા ફંડને પાછું આપવામાં મદદ કરી છે. પ્લેન ભરી-ભરીને ઈરાન સોનું મોકલાયું? અને મુદ્દો અહીં જ નથી અટકતો હોં! એવો દાવો છે કે ગાડીઓ નહીં પણ પ્લોનો ભરી-ભરીને બે ટન જેટલું સોનું (અંદાજે $283 મિલિયનનું) સીધું ઈરાન મોકલવામાં આવી રહ્યું છે. પણ સવાલ થાય કે ડોલર પણ મોકલી શકાતા હતા ને? સોનું જ કેમ? તો એનો જવાબ છે…. સોનું એટલા માટે કારણ કે ડોલરના ટ્રાન્ઝેક્શન પકડવા અમેરિકા માટે સહેલા છે પણ સોનું ક્યાં કેટલું કેવી રીતે પહોંચ્યું તે ટ્રેસ કરવું અમેરિકા માટે તો શું કોઈ પણ દેશ માટે મુશ્કેલ છે. બીજી વાત એવી પણ છે કે યુએઈ અને ઈરાન વચ્ચે સેકન્ડ હેન્ડ વિમાનોની પણ ડિલ થઈ છે. જો કે આ માત્ર દાવાઓ જ છે જે મામલે યુએઈ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, ક્વોલિટી અને ક્વોન્ટીટીની જંગ અહીં વાત આખી એમ છે કે યુદ્ધ પહેલા અમેરિકાને એવું હતું કે તેના હથિયારો સામે ઈરાનના સસ્તા ડ્રોન કંઈ ઉકાળી નહીં શકે. અમેરિકાએ ઈરાનને હરાવવા મોટા અને મહત્વના હથિયારો તહેનાત કરી દીધા. અને લગભગ અહીં જ અમેરિકા ભૂલ ખાઈ ગયું. કારણ કે લડાઈ ક્વોલિટી અને ક્વોન્ટીટી વચ્ચે થઈ ગઈ. 24 ટકા રિપર ડ્રોનનો યુદ્ધમાં ખાત્મો! આ વાતને હવે આપણે આંકડાઓથી સમજીએ. તમને યાદ હોય તો અમેરિકાએ કાસિમ સુલેમાનને પતાવી દીધો હતો… ખબર છે શેનાથી? MQ-9 રિપર ડ્રોનથી. અમેરિકાના એરફોર્સની આંખ અને કાન ગણાતા આ ડ્રોન જનરલ એટોમિક્સ કંપનીએ બનાવ્યા છે. એવું કહેવાય છે કે ઈરાન યુદ્ધ શરૂ થયું તેના પહેલા અમેરિકા પાસે આવા કૂલ 185 જેટલા MQ-9 રિપર ડ્રોન્સ હતા. સ્વાભાવિક છે કે ડેટા સેન્સેટિવ છે અને માત્ર અમેરિકા પાસે જ હોય. માટે એવું માની શકાય કે ત્યારનો આંકડો પણ સત્તાવાર નહીં હોય અને લગભગ હાલનો પણ નહીં હોય. દાવા મુજબ અમેરિકાએ 45 જેટલા MQ-9 રિપર ડ્રોન ઈરાન સામેના યુદ્ધમાં ગુમાવી છે. એક ડ્રોનની કિંમત 10-12 હજાર કરોડ રૂપિયા છે તો કુલ મળીને હજારો કરોડનું નુકસાન થાય. ટ્રમ્પનો અસલી માથાનો દુખાવો શું છે? આનાથી પણ આગળ વાત આગળ વધારીએ તો અમેરિકન લશ્કર દર વર્ષે લગભગ 600 જેટલી ટોમાહોક નામની ક્રુઝ મિસાઈલ્સ બનાવે છે. આ યુદ્ધમાં એક જ મહિનામાં લગભઘ 850થી વધુ ટોમાહોક મિસાઈલ્સ ફાયર થઈ ગઈ છે. એવામાં અમેરિકાની સૌથી મોટો માથાનો દુઃખાવો શું છે ખબર? તેમના હથિયારો ચીન, કોરિયન કે રશિયન ટેક્નોલોજી કરતાં અનેક ગણા સારા અને મોંઘા છે. જે રાતોરાત નથી બનતા. અમેરિકાના જવાનો લડી-લડીને થાક્યાં? હથિયારોથી હટીને વાત સેનાના જવાનો પર લઈ જઈએ તો એવા અહેવાલો આવી રહ્યા છે કે એ પણ હવે દરિયામાં લડી-લડીને થાકી ગયા છે. 250 દિવસથી દરિયામાં તહેનાત અમેરિકન જાયન્ટ વોરશીપ યુએસએસ અબ્રાહમ લિંકન પર સૈનિકો માનસિક રીતે ભાંગી પડ્યા છે અને બર્નઆઉટ થઈ ગયા છે એવું કહેવાઈ રહ્યું છે. કહેવાય છે કે એટલે જ અમેરિકાએ પોતાની મહાકાય વોરશીપ અબ્રાહમ લિંકનને મિડલ ઈસ્ટથી પાછી અમેરિકા બોલાવી લીધી. ઈરાનને પાછલા બારણે ચીન-રશિયાનો સાથ! અને જ્યારે આ બધુ ચાલી રહ્યું છે ત્યારે સામેની બાજુ ઈરાન પાસે ચીન અને રશિયાની મદદથી સસ્તા ડ્રોન અને મિસાઈલનો એટલો મોટો જથ્થો છે કે હજુ એક વર્ષ સુધી તે આરામથી યુદ્ધ ખેંચી શકે છે. આ બધુ જ જોઈને મિડલ ઈસ્ટના ઈસ્લામિક અને આરબ દેશો સમજી ગયા છે કે અમેરિકા આપણી મદદ નથી કરી રહ્યું અથવા તો એવું પણ કહી શકાય કે નથી કરી શકતું. અમેરિકાને મિડલ ઈસ્ટમાં ભેરવી દેવાનો પ્લાન પણ આપણને એવો સવાલ થાય કે ક્યાં રશિયા ક્યાં ચીન અને ક્યાં ઈરાન? આ બધાને એકબીજાની કેમ જરૂર છે? તો જવાબ છે અમેરિકાથી દુશ્મની ત્રણેયને એક તાંતણે બાંધે છે. બધા ભેગા થઈને અમેરિકાને મિડલ ઈસ્ટમાં એવું ભેરવી દેવા માગે છે કે અમેરિકા બીજી જગ્યાઓ પર મોટા હુમલાઓ જ ન કરી શકે કે લડવા માટે હથિયારો ઓછા પડી જાય. ટૂંકમાં અમેરિકાને એવું થકાવી દેવા માગે છે કે તે યુદ્ધથી નહીં પણ થાકથી હારી જાય અને યુદ્ધ છોડી દે. યુદ્ધ હથિયારોનું નહીં પણ ચલણનું! બીજું એક કે જ્યારે તમે આ યુદ્ધને મોટા કેનવાસ પર એક લેવલ ઉપર જઈને જોશો તો ખબર પડશે કે આ યુદ્ધ હથિયારોનું તો છે જ નહીં… લગભગ યુદ્ધ કરન્સી એટલે કે ચલણનું છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે 1974માં અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે પેટ્રો ડોલરની ડિલ થઈ હતી. જેના જ કારણે અમેરિકાએ પોતાને દુનિયામાં બાપ બનાવી રાખ્યો છે. જો આ પેટ્રો ડોલરને જ પતાવી દેવામાં આવે તો? એટલા માટે જ સાઉદી અરબ અને યુએઈ જેવા કટ્ટર મિત્રોએ ટ્રમ્પથી કંટાળીને ડોલરને બાય-બાય કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે સમજવું પડશે કે અમેરિકાને હજારો ડ્રોન તૂટે તો ચાલશે પણ એક ડોલર પણ તૂટશે તો ફાંસો ખાવા જેવા હાલ થાય. વિદેશનીતિમાં કોઈ કાયમી દોસ્ત-દુશ્મન નહીં એટલે જ વિદેશનીતિમાં એક સનાતન નિયમ છે કે કોઈ કોઈનો કાયમી દોસ્ત નથી અને કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી. એટલે જ થોડા સમય પહેલા જ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે મક્કા એગ્રીમેન્ટ થયો હતો. એટલે કે કોઈ એક દેશ પર હુમલો એટલે બધા પર હુમલો. આ બીટવીન ધ લાઈન મેસેજ છે કે… તમારી સુરક્ષા પર હવે અમારો ભરોસો ડગ્યો છે.
મિડલ ઈસ્ટના ડખાથી તમારે શું લેવાદેવા? પણ આ બધામાં આપણે શું લેવા દેવા? તો જવાબ છે મિડલ ઈસ્ટના ડખાનો સૌથી પહેલો ફટકો દુનિયાના ખિસ્સા પર પડે છે. જેમાં ભારત પણ આવી જાય છે. પાછલા મહિનાઓમાં આપણે મિડલ ઈસ્ટ, હોર્મુઝ અને બાબ અલ મંદેબ સ્ટ્રેટ્સના મહત્વને બરોબર સમજી ગયા છીએ કે તેલ અને ગેસની મોટા ભાગની સપ્લાય જ મિડલ ઈસ્ટથી થાય છે. ત્યાં કોઈ છમકલું થાય તો રાતોરાત તેલ-ગેસના ભાવ ભડકે બળે અને દુનિયાની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય. ડોલર નહીં સોનામાં કેમ વાટકી વહેવાર? બીજું કે આરબ દેશો ડોલરને સાઈડમાં મૂકીને સોનામાં વેવાર કરી રહ્યા છે તેનો મતલબ એવો પણ નીકળી શકે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની ડિમાન્ડ વધી શકે. જો આવું થાય તો ડોલરના ભાવ વધે અને જેના લીધે સોનું ખરીદવું કોમન મેનના સપના બહારની વસ્તુ થઈ જાય. શું આ વર્લ્ડ વૉરની શરૂઆત? આખી વાતનો સાર કંઈક એવો નીકળે છે કે આ ભલે વર્લ્ડ વોર- 3 ન હોય પણ બની શકે કે અમેરિકાની મોનોપોલીનો તો પાક્કો અંત ગણી શકાય. 52 વર્ષ જૂની પેટ્રો-ડોલરની રાખમાંથી હવે એક નવી મલ્ટી પોલર દુનિયાનો જન્મ ટ્રમ્પના અણઘડ નિર્ણયોના કારણે થઈ ગયો છે એવું કહી શકાય. 2029 સુધી તો બની શકે કે કોઈ એક દેશની દાદાગીરી તો નહીં જ ચાલે. અને છેલ્લે… પોલીસ જેમ વોન્ટેડ આરોપીને પકડાવવાનું ઈનામ આપે છે એમ હવે ઈરાને અમેરિકી સૈનિકને મારવા કે પકડવા માટે 28 લાખ આપશે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. જો આ કામ કોઈ ઈરાની મહિલા કરશે તો ઈનામ લગભગ બમણું એટલે કે 57 લાખ રૂપિયા હશે. દુનિયાનું કહેવું છે ઈરાનમાં મહિલાઓને આઝાદી નથી તેના મોઢે આ લગભગ તમતમતો તમાચો છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
અમેરિકાને પાડી દેવાનો પ્લાન:પ્લેન ભરી-ભરીને સોનું મોકલાયું!, UAE-ઇરાન વચ્ચે સિક્રેટ ડીલ? ચીન-રશિયા પણ મેદાને, 50 વર્ષનો સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા
📅 Published: August 17, 2026 |
📂 Category: International
