ગે-ડેટિંગ એપ મારફતે સંપર્ક કરી યુવક સાથે લૂંટ:અંધારામાં બોલાવી છરી બતાવી 14 હજાર પડાવ્યાં, ત્રણ પરપ્રાંતીય યુવકોની ધરપકડ

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

વાપીમાં સોશિયલ મીડિયા અને ગે-ડેટિંગ એપ્લિકેશન મારફતે યુવકને ટાર્ગેટ કરી અંધારાવાળા વિસ્તારમાં બોલાવી છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગનો ડુંગરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને CCTV ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ફરિયાદી પાસેથી લૂંટાયેલી રૂ. 14,000ની સંપૂર્ણ રકમ પણ કબજે કરવામાં આવી છે. ગે-ડેટિંગ એપ મારફતે સંપર્ક બાદ અંધારામાં બોલાવ્યો
ગત તા. 12 ઓગસ્ટ, 2026ના રોજ સાંજના સમયે ફરિયાદીનો ગે-ડેટિંગ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા શખ્સ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને વાપીના કરવડ ખાતે ભારત પેટ્રોલ પંપથી થોડે આગળ આવેલા અંધારાવાળા વિસ્તારમાં મળવા માટે બોલાવ્યો હતો. ત્રણ શખ્સોએ મારામારી કરી છરી બતાવી ધમકી આપી
ફરિયાદી નિર્ધારિત સ્થળે પહોંચતા જ ત્રણ અજાણ્યા ઇસમોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. આરોપીઓએ બળજબરીપૂર્વક ફરિયાદીનો મોબાઈલ તથા ક્યુઆર કોડ મારફતે એકાઉન્ટમાંથી રકમ પડાવી લીધી હતી. સાથે રોકડ રકમ પણ લઈ કુલ રૂ. 14,000ની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ઘટના અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 309(4), 309(6), 351(3) અને 3(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. CCTV અને ટેકનિકલ એનાલિસિસથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એન. ગોહિલ અને સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીઓ ઝડપાયા
પોલીસે ઝડપેલા આરોપીઓમાં 19 વર્ષીય શાહબાઝ અબ્દુલ અજીજ ચૌધરી, 20 વર્ષીય ઝહીર સમીઉલ્લાહ ખાન અને 19 વર્ષીય જવાહર રામનરેશ યાદવનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ હાલ વાપીના કરવડ વિસ્તારમાં રહેતા હતા, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લૂંટાયેલી રૂ. 14 હજારની સંપૂર્ણ રકમ રિકવર
ડુંગરા પોલીસે કરેલી સફળ કાર્યવાહીમાં ફરિયાદી પાસેથી લૂંટાયેલી સંપૂર્ણ રૂ. 14,000ની રકમ હેમખેમ રિકવર કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આ ગેંગ દ્વારા ડેટિંગ એપ્લિકેશન અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય કેટલા લોકોને આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓની પૂછપરછ બાદ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *