નવસારી જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ, એકલવ્ય કમિટી મંડળ તેમજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તાણ અને ડિપ્રેશનને ગંભીરતાથી લઈને કલેક્ટર મનીષ ગુરવાનીએ શિક્ષણ સંસ્થાઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્દેશો હતા. જેમાં શાળાઓ, કોલેજો તેમજ મેડિકલ કોલેજોમાં પોસ્ટર, બેનર અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સમયસર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા કક્ષાએ એક વિશેષ સમિતિની ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ટીમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ કામગીરીની સ્થળ તપાસ કરશે. ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતોની રક્ષા માટે દરેક સંસ્થામાં કડક એન્ટિ-રેગિંગ સેલ (Anti-Ragging Cell)ની રચના કરાશે. કલેક્ટરે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમની કોઈપણ ફરિયાદ કે સમસ્યાને અત્યંત સંવેદનશીલતાપૂર્વક ઉકેલવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી.
જ્યારે જિલ્લાકક્ષાની એકલવ્ય કમિટીની બેઠકમાં આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. તેમજ જિલ્લા સાક્ષરતા મિશન અંતર્ગત શિક્ષણથી વંચિતોને જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની બેઠકમાં જિલ્લામાંથી નિરક્ષરતા નાબૂદ કરવાના લક્ષ્યાંક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી અગ્રવાલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
